અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે બાબરા પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦૬ બોટલો કબજે કરી છે. આ દારૂની કુલ કિંમત રૂ. ૧,૮૧,૦૨૩ થાય છે. પોલીસને બાતમી મળી હતી કે મોટા દેવળીયા ગામમાં રહેતા અંકિત ઉર્ફે તીસરી મનુભાઈ સાનેપરા પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ કરે છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખીને દરોડો પાડ્‌યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં આરોપી અંકિત ઉર્ફે તીસરી મનુભાઈ સાનેપરા હજુ પોલીસ પકડથી દૂર છે