બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડના હિસાબી વર્ષ ૨૦૨૫/૨૬ના ચોખ્ખા નફા રૂપિયા ૭.૭૨ કરોડ થયો છે. સહકાર વિભાગના પરિપત્રની મર્યાદામાં રહીને મંડળીએ સભાસદોને ૧૬ ટકા લેખે ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત રૂપિયા ૫૧,૦૪,૫૧૨ની રકમના વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆની અધ્યક્ષતામાં અરવિંદભાઈ મણીયાર ભવન ખાતે યોજાયો હતો. મંડળીની પ્રગતિ અને સભાસદોના વિશ્વાસને કારણે સમગ્ર ગુજરાતની શરાફી મંડળીઓમાં બગસરા મંડળીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆએ જણાવ્યું કે સભાસદોનો વિશ્વાસ એ જ સહકાર દ્વારા સમૃદ્ધિ તરફ જવાનો સાચો માર્ગ છે. મંડળીની નવ શાખાઓમાં એકસાથે ડિવિડન્ડ શુભારંભના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં અમદાવાદ બાપુનગર, નિકોલ, અમરેલી, અમરવેલી, બગસરા, વડોદરા, ધારી, લીલીયા મોટા, રાજકોટ અને ચલાલા શાખાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય, કોર્પોરેટરો, નગરપાલિકા પ્રમુખો, ચેમ્બરના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, સરપંચ, વિવિધ શાખાઓના મેનેજિંગ ડિરેક્ટરો, તજજ્ઞ ડિરેક્ટર, ગાયત્રી શક્તિ પીઠના સંચાલક, ડિરેક્ટરો, એડવાઈઝરી બોર્ડના સભ્યો, શાખા સેક્રેટરીઓ, કર્મચારીઓ અને સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન જનરલ મેનેજિંગ ડિરેક્ટર નિતેષ ડોડીઆ તથા જનરલ સેક્રેટરી ડી.જી. મહેતાએ કર્યું હતું. આભારવિધિ પૂર્વ ડિરેક્ટર હરિભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી જનરલ આસિસ્ટન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડની યાદી દ્વારા જણાવવામાં આવી છે.








































