મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ૭.૩૨ કરોડની કિંમતનો ૯.૧૩૯ કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ ૭.૩૨ કરોડની કિંમતનો ૯.૧૩૯ કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો છે અને એક ડ્રગ તસ્કરની ધરપકડ કરી છે. મંગળવારે વહેલી સવારે દિલ્હીથી બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે,ડીઆરઆઇ અધિકારીઓએ તેને ભોપાલના ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનસ પર અટકાવ્યો.બે મધ્યમ કદના ટ્રોલી બેગની તપાસમાં સલવાર સુટના કવરમાં છુપાયેલા ક્રિસ્ટલાઇન મેથામ્ફેટામાઇન ધરાવતા ૧૧ પ્લાÂસ્ટક પેકેટ મળી આવ્યા. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફીલ્ડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બધા ૧૧ પેકેટ મેથામ્ફેટામાઇન હોવાની પુષ્ટિ થઈ.
થોડા દિવસો પહેલા જ, ભોપાલ બસ સ્ટેન્ડ પર ૨.૦૮ કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ૧૪ ઓક્ટોબરના રોજ,ડીઆરઆઇ અધિકારીઓએ દિલ્હીથી બેંગલુરુ જતી બસમાં મુસાફરી કરી રહેલી એક નાઇજીરીયન મહિલા પાસેથી ૨.૦૮ કરોડના મૂલ્યનું ૨.૬૦૪ કિલો એમ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. તેણીની આઇએસબીટી પર ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતરમાં,ડીઆરઆઇએ તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લામાં ૧૩૭ કિલોગ્રામ ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. ગેરકાયદેસર ડ્રગ બજારમાં તેની કિંમત ૧૦૦ કરોડથી વધુ છે. આ કાર્યવાહીમાં દરિયાઈ માર્ગે શ્રીલંકામાં ડ્રગની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા દરિયાકાંઠાના દાણચોરી નેટવર્કનો પર્દાફાશ થયો. નાણા મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી ૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવી હતી.અધિકારીઓને વિશ્વસનીય માહિતી મળી હતી કે ડ્રગ્સનો મોટો જથ્થો નાગપટ્ટીનમના એક દરિયાકાંઠાના ગામમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને સમુદ્રની વચ્ચે બીજી બોટમાં શ્રીલંકા લઈ જવામાં આવનાર હતો. શોધખોળ દરમિયાન,ડીઆરઆઇ અધિકારીઓને ચાંદીના વરખમાં લપેટેલા ૨૭ પેકેટ ધરાવતી છ બેગ મળી આવી, જેમાંથી દરેકનું વજન આશરે ૫ કિલોગ્રામ હતું. આ પેકેટોમાં સફેદ સ્ફટિકીય પદાર્થ હતો જે ઉચ્ચ શુદ્ધતાવાળા મેથામ્ફેટામાઇન હોવાની શંકા છે. કુલ ૧૩૭ કિલોગ્રામ વજનનું આ માદક દ્રવ્ય ૧૯૮૫ના નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. ગયા મહિને, લક્ષદ્વીપ નજીક ૫૦૦ કિલોગ્રામથી વધુ ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે ૩,૦૦૦ કરોડ (આશરે ૩ બિલિયન) આંકવામાં આવી હતી.








































