ગુજરાતમાં સોનાની તસ્કરી કરતા સંગઠિત નેટવર્કનો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે વિદેશી મૂળનું સોનું ભારતમાં લાવવામાં આવતું હોવાની તપાસમાં આશરે રૂ.૧૯.૪૧ કરોડની કિંમતના ૧૩.૦૧૭ કિલો સોનાની હેરફેરનો ખુલાસો થયો છે. આ કેસમાં કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં વડોદરામાં ગેરકાયદેસર રીતે સોનું ઓગાળવાના એકમ અને અમદાવાદની જ્વેલરી દુકાન સુધી જાડાયેલી કડીઓ પણ સામે આવી છે.
ડીઆરઆઇએ ચોક્કસ બાતમીના આધારે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬થી શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખીને આશરે ૪૨ કલાક સુધી સંકલિત કાર્યવાહી કરી હતી. આ દરમિયાન વિદેશથી સોનું લાવનારા મુસાફરો, એરપોર્ટ બહાર સોનું મેળવતા હેન્ડલર્સ, મધ્યસ્થીઓ, સોનું ઓગાળવાની સુવિધા અને જ્વેલરીના વેચાણ સાથે સંકળાયેલી કડીઓની તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ મુજબ, વિદેશથી લાવવામાં આવેલા સોનાને એરપોર્ટની બહાર હેન્ડલર્સને સોંપવામાં આવતું હતું. ત્યારબાદ મધ્યસ્થીઓ મારફતે તેને વડોદરા સ્થિત ગેરકાયદેસર મેલ્ટિંગ યુનિટ સુધી પહોંચાડવામાં આવતું હોવાનો આક્ષેપ છે. ત્યાં સોનું ઓગાળ્યા બાદ તેને અમદાવાદની જ્વેલરી દુકાનમાં રોકડ સામે વેચાણ માટે મોકલવામાં આવતું હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.તપાસ દરમિયાન સોનું છુપાવીને લાવવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓની વિગતો સામે આવી છે. તેમાં સામેલ છેઃ
રોડિયમ કોટેડ સોનાના વાયરઃ પાતળા વાયર સ્વરૂપે સોનું છુપાવીને લાવવાની પદ્ધતિ.
ટ્રોલી બેગમાં સોનુંઃ બેગના અંદરના લાઇનિંગમાં સોનું છુપાવવાનો પ્રયાસ.
ગોલ્ડ પેસ્ટઃ બેગના અંદરના ભાગમાં સોનાની પેસ્ટ છુપાવીને લાવવાની રીત.
ડીઆરઆઇના જણાવ્યા મુજબ, આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદેશી મૂળનું સોનું ભારતમાં લાવવામાં આવતું હોવાની શંકા છે. ત્યારબાદ સોનું સ્થાનિક નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતું હતું.આ સમગ્ર કેસમાં વડોદરામાં ચાલતા સોનું ઓગાળવાના ગેરકાયદેસર એકમની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી છે. વિદેશથી લાવવામાં આવેલા સોનાને અહીં ઓગાળીને તેનું સ્વરૂપ બદલવામાં આવતું હોવાનો આક્ષેપ છે. આ રીતે તૈયાર થયેલું સોનું આગળ વેચાણ માટે મોકલવામાં આવતું હોવાની માહિતી ડીઆરઆઇની તપાસમાં સામે આવી છે.તપાસમાં દુબઈ સ્થિત ફાઇનાન્સર સાથે જાડાયેલી કડી પણ સામે આવી છે. અધિકારીઓએ હેન્ડલર્સ, મેલ્ટિંગ યુનિટના સંચાલક અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ઓળખ કરી હોવાનું જણાવાયું છે.આ કેસમાં અત્યાર સુધી ત્રણ વ્યક્તિઓની કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં મુસાફરો, હેન્ડલર્સ, મધ્યસ્થીઓ, સોનું ઓગાળતા એકમના સંચાલક અને જ્વેલરી વેપાર સાથે સંકળાયેલી કડીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.