મોરબી રોડ પર કીયાન એમ એક્સપોર્ટ નામની કંપની પાસેથી કાપડની ખરીદી કરી રૂ. ૫.૪૪ કરોડ નહીં ચૂકવી છેતરપિંડી કર્યાની મુંબઇમાં રહેતા પ્રેમચંદ અશોક મિત્તલ સામે ઇઓડબલ્યુમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે તપાસ આગળ ધપાવાઇ છે.
કંપનીના ડીરેક્ટર રાજેશભાઈ માલવિયા અને તેનો પુત્ર દર્શ છે. કંપની દ્વારા લીગલ કામ માટે ઓથોરાઇઝ કરાયેલા કેનીલ સરધારા (ઉ.વ.૨૫, રહે. શક્તિ સોસાયટી શેરી નં.૧૪, સંત કબીર રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૪ના ડીસેમ્બર મહિનામાં તેની કંપનીના સેલ્સના એક્સપોર્ટ હેડ તરીકે કામ કરતાં તૃષાબેન પટેલનો આરોપીએ સંપર્ક કરી કંપનીનો નંબર મેÂક્સકો ખાતેથી મેળવ્યાનું કહી કાપડની ખરીદીની વાત કરી હતી. જેથી આરોપીને કંપનીની વીઝીટ કરવા માટે બોલાવતા આવ્યો હતો.
તે વખતે આરોપીએ પોતાની કંપનીનું નામ મારૂતી એક્સપોર્ટ હોવાનું જણાવ્યું હતું. કંપની મુંબઇમાં હોવાનું પણ કહ્યું હતું. ૨૦૨૫ના ફેબુ્રઆરી મહિનામાં તેની કંપનીનો ભારત મંડપમમાં સ્ટોલ હતો. ત્યાં પણ આરોપીએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં આરોપીએ સાટિન ડાઇંગ પ્રિન્ટના કાપડનો ઓર્ડર આપ્યો હતો. કટકે-કટકે પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ પછી આરોપી અવારનવાર માલ લઇ સમયસર પેમેન્ટ ચૂકવી દેતો હતો.
એક દિવસ આરોપીએ તેની કંપનીના સેલ્સ હેડને કોલ કરી હવે પછી તેની કંપની વતી કલ્પેશ કાપડિયા વાતચીત કરશે તેમ કહ્યું હતું. એટલું જ નહીં ક્રેડીટ લીમીટ પણ વધારાવી લીધી હતી. ૨૦૨૫ના સાત માસ દરમિયાન આરોપીએ રૂ. ૮.૯૭ કરોડનું કાપડ મંગાવ્યું હતું. જેની સામે રૂ. ૩.૫૨ કરોડનું પેમેન્ટ કર્યું હતું. બાકીના રૂ. ૫.૪૪ કરોડ ચૂકવ્યા ન હતા. ઉઘરાણી કરતાં કહેતો કે તમારો માલ ઇન્ડોનેશિયા એક્સપોર્ટ કર્યો છે, તે માલ ખરાબ છે.
આ પ્રકારના બહાના બતાવતો હતો. જ્યારે વાસ્તવમાં માલ ખરાબ હતો નહીં. વધુ તપાસમાં આરોપીએ કોઇ માલ એક્સપોર્ટ નહીં કર્યાનું અને લોકલ માર્કેટમાં વેચી દીધાનું જાણવા મળ્યું હતું. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.