અનિતા કંવલ મનોરંજન જગતમાં એક જાણીતી વ્યક્તિ છે. તેણીએ ઘણી ફિલ્મો તેમજ ટેલિવિઝનમાં અભિનય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી, અનિતા કંવલ નાણાકીય મુશ્કેલીઓની અફવાઓને કારણે સમાચારમાં છે. આ દરમિયાન, અભિનેત્રીએ આર્થિક તંગીની અફવાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો છે. અનિતા કંવલે જણાવ્યું હતું કે તેણે લગભગ છ મહિના પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારબાદ તેના નિવેદનોને તોડી-મોડી કરવામાં આવ્યા હતા. તેણે સ્પષ્ટતા કરી હતી કે તેણે ક્્યારેય કોઈની પાસેથી નાણાકીય મદદ માંગી નથી, પરંતુ તેના શબ્દોને એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે જાણે તેણે માંગી હોય, જે ખરેખર નથી.
અનિતા કંવલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તેની આર્થિક તંગીના સમાચારે તેને પરેશાન કરી છે. તેણે કહ્યું હતું કે આ અહેવાલોએ તેને એટલી બધી પરેશાન કરી છે કે તે યોગ્ય રીતે સૂઈ શકતી નથી. અનિતા કંવલે કહ્યું હતું કે, “સવારના ૪ વાગ્યા છે અને હું યોગ્ય રીતે સૂઈ શકતી નથી કારણ કે કેટલાક સમાચાર પત્રકારો મારા વિશે એવી વાતો લખી રહ્યા છે જે મને પરેશાન કરી રહી છે.” છ મહિના પહેલા, મેં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં મને પૂછવામાં આવ્યું હતું કે જા મને કામ ન મળે તો હું કેટલો સમય આર્થિક રીતે મારી જાતને ટેકો આપી શકીશ. મેં કહ્યું હતું કે દોઢ વર્ષ.
અનિતા કંવલ આગળ કહે છે, “મારા આ શબ્દો એવી રીતે રજૂ કરવામાં આવ્યા હતા જાણે હું આર્થિક મદદ માંગી રહી હોઉં. પરંતુ એવું નથી. જ્યારે અમિતાભ બચ્ચન યશ ચોપરા પાસે કામ માંગવા ગયા અને કહ્યું કે તેમની પાસે કોઈ કામ નથી અને તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે કોઈએ કંઈ કહ્યું નહીં. પરંતુ આજે બધા કહી રહ્યા છે કે અભિનેત્રીઓ આવી જ હોય છે. હું ખૂબ જ શ્રીમંત અને આદરણીય પરિવારમાંથી આવું છું. હા, મેં કેટલાક ખરાબ રોકાણ કર્યા છે, જે કોઈની સાથે પણ થઈ શકે છે. પરંતુ આજે પણ, મારામાં કમાણી કરવાની શક્તિ છે. મારામાં એટલી હિંમત છે કે હું ૧૦ વર્ષ સુધી મારી જાતને ટેકો આપી શકું છું.”
અનિતા કંવલ સમજાવે છે કે તે હાલમાં સોશિયલ મીડિયાથી સારી કમાણી કરી રહી છે. તે કહે છે, “હા, મને કામ મળતું નહોતું, પણ તે છ મહિના પહેલાની વાત છે. તે પછી, મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરવાનું શરૂ કર્યું અને એક ફિલ્મ મળી. આજે, મને ઇન્સ્ટાગ્રામ પર સહયોગ મળી રહ્યો છે, અને હું તેનાથી ખૂબ જ ખુશ છું. પહેલી વાર, મેં કોઈપણ ચેનલ કે્્ પ્લેટફોર્મના ટેકા વિના મારું પોતાનું ૨૫-એપિસોડનું રીલ ડ્રામા બનાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મારી પાસે પૈસા નથી, જે ખોટું છે. હું આર્થિક મુશ્કેલીમાં નથી. હું સારું કરી રહી છું, મારા ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છું. આ ઉંમરે મારા નામને આ રીતે કલંકિત ન કરો.”








































