ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે દીપડાએ આઠ વર્ષના બાળક પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘાંટવડ રેલવે ફાટક નજીક વાડી વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, રામસિંહભાઈ ટાભાભાઈ વાઢેળનો આઠ વર્ષનો પુત્ર મીત વાઢેળ પોતાની માતા સાથે ખેતરમાં હતો. માતા શેરડીના વાડ તરફ ગયાં ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ મીત પર હુમલો કરી દીધો હતો. બાળકે બૂમાબૂમ કરતા દીપડો તેને છોડીને નાસી છૂટ્યો હતો.
ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે કોડીનારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વાડી વિસ્તારમાં દીપડાના હુમલાથી સીમમાં રહેતા પરિવારો અને ખેડૂતોમાં બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા પ્રસરી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય પાંજરું મૂકવા સહિતના તકેદારીના પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.