અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રૂ.૫, રૂ.૧૦ અને રૂ.૨૦ના સિક્કા તથા કડકડતી નવી નોટોની ભારે અછત સર્જાઈ છે. આ તંગીના કારણે વેપારીઓ માટે ધંધા-રોજગારમાં ગ્રાહકોને છૂટા નાણાં આપવા મુશ્કેલ બન્યા છે. સ્થાનિક સ્તરે અનેક ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરવા સક્ષમ ન હોવાથી તથા રૂ.૧૦-૨૦ની નોટો પણ ઓછી પ્રમાણમાં ચલણમાં હોવાથી વેપાર-ધંધા પર સીધી અસર પડી રહી છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ અર્થે અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (અમદાવાદ) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (અમરેલી)ને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ચતુરભાઈ અકબરી અને હોદ્દેદારોએ જણાવ્યું છે કે અગાઉ ચેમ્બર દ્વારા રૂ.૧૦ લાખનું પરચુરણ સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. આ વખતે તહેવારોની મોસમમાં વેપારીઓ અને પ્રજાજનોની સુવિધા માટે RBI માંથી તાત્કાલિક રૂ.૨૦ લાખનું પરચુરણ તથા નવી નોટોનો જથ્થો ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.