સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં કાયદેસરની ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મહિલા આરોપીઓએ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા ખાતે રહેતા રવિભાઇ પ્રવિણભાઇ રાઠોડ વિરુદ્ધ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, સાવરકુંડલા ખાતે હદપારી કેસ હેઠળ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. આ નોટિસની કાયદેસર બજવણી કરવામાં આવતા રવિભાઇ રાઠોડની માતા પ્રવિણાબેન પ્રવિણભાઇ રાઠોડ તથા બહેન મેઘનાબેન પ્રવિણભાઇ રાઠોડ ઉશ્કેરાઈ ગયાં હતાં. તડીપારી નોટિસની બજવણીનું મનદુઃખ રાખી બંને મહિલા આરોપીઓએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધસી આવી ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. તેમણે બેફામ બની બીભત્સ ગાળો ભાંડી હતી અને ‘જીવતા નહીં રહેવા દઈએ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી. જી. ચોચા વધુ તપાસ કરી રહ્યા છે.







































