પાનકથીરી, બગાઇ સાથે નાની પેટાવર્ગ એકેરી (એકેરીના તરીકે પણ ઓળખાય છે) અને વર્ગ એરેકનિડા સાથે જોડાયેલ આર્થ્રોપોડ્સ છે. કથીરીની મુખ્યત્વે ૨૦૦ કરતાં પણ વધુ કુળની ૪૮,૨૦૦ જાતિઓ છે. ઘણી જાતિઓ જમીન અથવા પાણીમાં મુક્ત રીતે રહે છે, પરંતુ છોડ અને પ્રાણીઓ પર પરોપજીવી તરીકે રહેતી પ્રજાતિઓ પણ મોટી સંખ્યામાં હોય છે અને કેટલીક મોલ્ડનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
ગુજરાત રાજ્યમાં પાનકથીરીનો ઉપદ્રવ અન્ય જીવાતોની સરખામણીએ ગૌણ છે. આમ છતાં રાજ્યમાં મુખ્યત્વે ટેટ્રાનીકીડ, ટેન્યુપાલ્પીડ, ટારસોનોમીડ, ઈરીયોફીડ અને ટકરેલીડ એમ પાંચ વંશોની ૪૪ જેટલી કથીરીઓની જુદી જુદી જાતો નોંધાયેલ છે. ઓળખઃ
• આ જીવાતને ચાર જોડી પગ (અષ્ટપાદ વર્ગની) હોવાથી બીજાં પ્રાણીઓ કરતાં જુદી પડે છે.
• તે નરી આંખે ન જોઈ શકાય તેટલી સૂક્ષ્મ હોય છે.
• તેનું શરીર બે ભાગમાં વહેંચાયેલ હોય છે.
• તેને બચ્ચાં અવસ્થામાં ત્રણ અને પુખ્તાવસ્થામાં ચાર જોડ પગ હોય છે.
• તે પાંખો અને શૃંગિકા ધરાવતી નથી.
• તે મુખાંગોની જગ્યાએ સોય જેવી ચેલીશેરી અને પેડીપાલ્પની જોડ ધરાવે છે અને મુખાંગોમાં મેન્ડીબલ હોતા નથી.
અહીં મુખ્ય પાકોમાં નુકસાન કરતી કથીરીઓની ઓળખ, નુકસાન તેમજ તેનું સંકલિત વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તેની માહિતી આપેલી છે.
ધાન્ય પાકોની કથીરીઃ ધાન્ય વર્ગનાં પાકો જેવા કે મકાઈ, જુવાર, ડાંગર, શેરડીમાં ટેટ્રાનીકીડ કુળની કથીરી ઓલીગોનીકસ ઈન્ડીકસથી નુકસાન થતું જોવા મળે છે. જ્યારે ડાંગરમાં ટારસોનોમીડ કુળની આવર્તક પર્ણતલની કથીરી (શીથ માઈટ) સ્ટેનીયોટારસોનીમસ સ્પીન્કી નો ઉપદ્રવ જોવા મળે છે. ઘઉંમાં ઈરીયોફીડ કુળની કથીરીથી નુકસાન થતું જોવા મળે છે. આ કથીરી ઘઉંમાં સ્ટ્રીક મોસેક વાઈરસનું વહન કરે છે.
ઓલીગોનીકસ ઈન્ડીકસ કથીરી લીલાશ પડતાં ભૂખરાં તેમજ શરીર ઉપર કાળાશ પડતાં રંગનાં ધાબાવાળી હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ જાળામાં સમૂહમાં રહી રસ ચૂસે છે. આથી પાન પર પીળાશ પડતાં અસંખ્ય ડાઘા જોવા મળે છે. આ ડાઘા એકબીજા સાથે જોડાતા પીળા કે લાલાશ પડતાં મોટા ધાબા બને છે, અને છોડની
વૃધ્ધિ અટકે છે. આ કથીરીનો ઉપદ્રવ ઓગષ્ટ થી ડીસેમ્બર માસ દરમ્યાન વધુ પ્રમાણમાં જોવા મળે છે.ડાંગરની કથીરીઃ સ્ટેનીયોટારસોનીમસ સ્પીન્કી પ્રકારની કથીરી સૂક્ષ્મ, ચાર જોડ પગ ધરાવતી અને આવર્તક પર્ણતલની નીચે જોવા મળે છે. આથી નરી આંખે જોઈ શકાતી નથી. આ કથીરી ડાંગરનાં પાનનાં આવર્તક પર્ણતલની નીચે સમૂહમાં રહી સતત રસ ચૂસતી હોવાથી તેનાં કોષો મૃત્યુ પામે છે. આથી પાન ઉપર બહારથી તપખીરીયા રંગનાં ડાઘા દેખાય છે. છોડમાં કંટી મોડી નીકળે છે તેમજ કંટી કદમાં નાની, અસ્ત-વ્યસ્ત આકારની અને સફેદ પોચાદાણાવાળી હોય છે. કથીરીનો ઉપદ્રવ કંટીનાં ગ્લુમ અને દાણા વચ્ચે પણ જોવા મળે છે. ઉપદ્રવિત કંટીમાં દાણા પોચા અને અડધા તપખીરીયા રંગનાં જોવા મળે છે. સાથે સાથે ફૂગનાં આક્રમણ માટે પણ સરળતા કરી આપતી હોય ‘શીથ રોટ’ નામનો રોગ પણ આવે છે. આવા દાણાની સ્ફૂરણશક્તિ ખૂબ જ ઘટી જાય છે. જેને દાણાની વંધ્યત્વની બિમારી કહે છે. આથી તેનો બિયારણમાં ઉપયોગ થઈ શકતો નથી.
આવર્તક પર્ણતલનો ફૂગ દ્રારા થતો કોહવારો ફેલાવવામાં પણ આ કથીરી મદદરૂપ થાય છે. આથી પાકને ખૂબ આર્થિક નુકસાન થઈ શકે છે.












































