વડિયાના ખાખરીયા ફાટક પાસેથી સકડો રિક્ષામાં ગેરકાયદેસર રીતે હેરફેર કરાતો બિનઅધિકૃત અનાજનો જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. રવિવારના રજાના દિવસે ઇન્ચાર્જ મામલતદાર કે. જી. ચુડાસમા અને તેમની ટીમે દરોડો પાડીને ૧૪૧.૪૦ કિલો ચોખા તથા ૨૧૯.૮૫ કિલો ઘઉં મળી કૂલ ૩૬૧.૨૫ કિલો અનાજ કબજે કર્યું હતું. આ સાથે વજનકાંટો અને માલવાહક રિક્ષા મળીને રૂ. ૫૮,૪૦૪નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઝડપાયેલા અનાજને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં સીઝ કરાયું છે, જ્યારે રિક્ષાને વડિયા પોલીસ મથકે સોંપવામાં આવી છે. મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કરાયેલી આ સપાટાબંધ કાર્યવાહીથી કાળાબજારીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક સૂત્રો મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ કાર્ડધારકો પાસેથી સરકારી સસ્તું અનાજ ખરીદીને અનાજ માફિયાઓને વેચવાનું ગેરકાયદે નેટવર્ક સક્રિય છે. સરકાર ગરીબોના કલ્યાણ માટે જે નાણાં ખર્ચે છે, તેનો દુરુપયોગ કરી અનાજ બજારમાં વેચાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્‌યા છે. હવે મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે આ અનાજ ક્યાંથી આવ્યું, કોણે વેચ્યું અને ક્યાં લઈ જવાઈ રહ્યું હતું? ભૂતકાળમાં પણ અનેકવાર અનાજનો જથ્થો ઝડપાયો છે, પરંતુ તંત્ર તેના મૂળ સુધી પહોંચવામાં દર વખતે નિષ્ફળ નીવડ્‌યું છે. જો વહીવટી તંત્ર માત્ર નાના ફેરીયાઓ પર કાર્યવાહી કરવાને બદલે સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરે, તો જ આ મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે.