વાહનની સીટ પર બેસતા જ અનેક વાહનચાલકો ભાન ભૂલી જતા હોય છે, જેમાં ખાસ કરીને યુવાનો માટે અતિશય ઝડપે વાહન ચલાવવું એક મોટો જોખમી શોખ બની ગયો છે. અમરેલીના ચિતલ રોડ પર હાલ એવો માહોલ સર્જાયો છે કે જાણે વાહનો નહીં પરંતુ ઉડતા પ્લેન ચાલતા હોય! મોટરસાઇકલ, કાર અને અન્ય વાહનો પુરપાટ ઝડપે દોડી રહ્યા છે, જેના કારણે રાહદારીઓ અને અન્ય નાગરિકો માટે આ રસ્તો અત્યંત ભયજનક બની ગયો છે. રસ્તો નવો અને સારો બન્યો છે તેનો સદુપયોગ કરવાને બદલે કેટલાક બેફામ વાહનચાલકો તેનો ગેરલાભ ઉઠાવીને નિર્દોષ નાગરિકોના જીવ સામે જોખમ ઊભું કરી રહ્યા છે. શિસ્ત અને સ્પીડ લિમિટનો ભંગ કરીને ચલાવાતા વાહનોને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિક રહીશોમાં એવી ઉગ્ર લાગણી પ્રવર્તી રહી છે કે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય અને તંત્ર જાગે, તે પહેલાં સત્તાવાળાઓ દ્વારા કડક સ્પીડ બ્રેકર, સીસીટીવી અને ટ્રાફિક પોઇન્ટ ગોઠવીને સઘન સપોટ ચેકિંગ કરવામાં આવે.