ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો પોતાના રાખડીના પેકેટને વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે મોકલી શકે તે માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા “રાખી મેઇલ” પર ૧૦ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના ૧૨ ઓગસ્ટ ૨૦૨૬થી અમલમાં આવી છે અને દર વર્ષે રક્ષાબંધનના ૧૫ દિવસ પહેલા સિસ્ટમમાં સક્રિય કરવામાં આવશે. આ યોજના હેઠળ રાખડીના પેકેટનું સ્પીડ પોસ્ટ દ્વારા બુકિંગ કરાવનાર ગ્રાહકોને ૧૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. અમરેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકોની સુવિધા માટે ૨૪ કલાક કાઉન્ટરની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ડિસ્કાઉન્ટ માત્ર ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ દસ્તાવેજ આર્ટિકલ્સ માટે લાગુ રહેશે.ગ્રાહકોએ રાખડી બુક કરાવતા સમયે આગમનના ભાગ પર સ્પષ્ટ રીતે “Rakhi Mail” લખવાનું રહેશે. કાઉન્ટર ઓપરેટર કવર ખોલ્યા વગર બહારથી તપાસ કરી તેમાં રાખડી હોવાની ખાતરી કર્યા બાદ બુકિંગ કરશે. એક ગ્રાહક એક સમયે વધુમાં વધુ ૫ સ્પીડ પોસ્ટ આર્ટિકલ બુક કરાવી શકશે. આ ડિસ્કાઉન્ટ માત્ર પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી રિટેલ બુકિંગ માટે જ માન્ય રહેશે. ટપાલ વિભાગે નાગરિકોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.









































