અમદાવાદમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની કાર્યવાહી સામે આવી છે. શહેરના કૃષ્ણનગર અને દાણીલીમડા વિસ્તારમાં બે અલગ-અલગ કેસમાં હાઈબ્રિડ ગાંજા અને એમડી ડ્રગ્સ સહિત રૂ. ૫૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને કાર્યવાહીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ એસઓજીને પેટ્રોલિંગ દરમિયાન કૃષ્ણનગરની જય રઘુનાથ સોસાયટીમાં આવેલા એક મકાનમાં હાઈબ્રિડ ગાંજા છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં હાજર રાહુલ ગાડેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મકાનની તલાશી લેતા ૬૭૨ ગ્રામ હાઈબ્રિડ ગાંજા, જેની કિંમત આશરે રૂ. ૨૩.૫૨ લાખ, તેમજ રૂ. ૨૦.૯૮ લાખની રોકડ અને અન્ય સાધનો મળી કુલ રૂ. ૪૫.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાહુલ ગાડે આ ગાંજા અમદાવાદના જ બન્ની ભાટિયા પાસેથી લાવતો અને ત્યારબાદ ઘરમાંથી છૂટક વેચાણ કરતો હોવાની માહિતી સામે આવી છે. આરોપી છેલ્લા એક મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે. હવે પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને રોકડ રકમનો સ્ત્રોત શું છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ કેસમાં મુખ્ય સપ્લાયર બન્ની ભાટિયાને ઝડપી પાડવા એસઓજીએ તપાસ તેજ કરી છે.
બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં કાર્યવાહી કરીને રૂ. ૮ લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં એક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, તે સ્થળે સાંજના સમયે કેટલાક લોકો ડ્રગ્સનું વેચાણ કરતા હતા. બાતમીના આધારે તપાસ હાથ ધરતા પોલીસે મુસ્તાક સૈયદ અને યાસીન અરફાત અન્સારીને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી રૂ. ૮ લાખથી વધુ કિંમતનું સ્ડ્ઢ ડ્રગ્સ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓને ફરાર આરોપી નફીશ શેખે એમડી ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ થોડા રૂપિયા તેમજ ખાવા-પીવાની લાલચમાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. હવે પોલીસે ફરાર નફીશ શેખને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેની ધરપકડ બાદ ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.









































