ખાંભાના પ્રસિધ્ધ માનકેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી નાનુડી નદી ખાતે વિશાળ સમૂહ સફાઈ અભિયાન યોજાયું હતું. નદીની સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ‘ધર્મ અને સેવાના કાર્યમાં સૌ જોડાઈએ’ના ભાવ સાથે યોજાયેલા આ અભિયાનમાં ખાંભા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.વી. ચુડાસમા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસ કર્મચારીઓએ સફાઈ કામગીરીમાં શ્રમદાન કરી અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપી હતી. આ ઉપરાંત એડવોકેટ રાજુભાઈ હરીયાણી, ખાંભાના સેવાભાવી યુવાનો તેમજ શિવભક્તોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ મળીને નદી અને આસપાસના વિસ્તારમાંથી કચરો દૂર કરી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કર્યો હતો. અભિયાનથી નદી વિસ્તાર સ્વચ્છ બન્યો હતો અને સ્થાનિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ જોવા મળી હતી.








































