સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં જારશોરથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાની સાથે બગસરામાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. રાજકિય આગેવાનોએ તિરંગો હાથમાં લઈ ફોટોસેશન પણ કરાવ્યું હતુ પરંતુ તિરંગા ચોકમાં આવેલા ૬૦ ફુટ વિશાળ પોલ પરથી તિરંગો જ ગાયબ હોવાથી તિરંગા યાત્રાને લઈ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
બગસરામાં આજે આગેવાનોની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. ગણ્યાગાંઠ્યા આગેવાનોની હાજરીમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં હાજર રહેલા આગેવાનોએ તિરંગો હાથમાં લઈ દેશદાઝ દેખાડી હતી પરંતુ તત્કાલિન જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાયના હસ્તે ૬૦ ફુટ ઉંચા પોલ પરથી છેલ્લાં ઘણા સમયથી તિરંગો જ ગાયબ હોવાથી આ પોલ પર તિરંગો ફરકાવવા માટે કોઈ આગેવાનો પાસે સમય ન હોવાનું સામે આવતા તિરંગા યાત્રાને લઈ શહેરીજનોમાં સવાલો ઉભા થયા છે. આ બાબતે આગેવાનોનું ધ્યાન દોરતા તેમણે પણ આ બાબતે કોઈ ગંભીરતા લીધી નહોતી. આમ, તિરંગા યાત્રાને લઈ આગેવાનો પ્રત્યે શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.આમ, તિરંગા યાત્રામાં એકઠા થયેલા આગેવાનોમાંથી કોઈ પોલ પર તિરંગો ફરકાવી દેશપ્રેમની ભાવના દેખાડે તેવુ લોકો ઈચ્છી રહ્યાં છે.
૬૦ ફુટ ઉંચા પોલમાં તિરંગો લહેરાવાને બદલે ગાયબ થયો









































