દામનગર શહેરના વેજનાથ મહાદેવ મંદિરથી બપોર બાદ કુંભનાથ મહાદેવની દસમી પાલખી યાત્રા પ્રસ્થાન પામી હતી. દામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર હર હર મહાદેવના નાદ સાથે પાલખી યાત્રા ફરી હતી. યાત્રાના પગલે શહેરમાં બપોર બાદ સ્વયંભૂ બંધ રહ્યું હતું. ૧૧ હજારથી વધુ ભાવિકોએ એક પંગતમાં ફરાળ પ્રસાદ લીધો હતો. કેરળના પ્રસિધ્ધ કથકલી નૃત્યની પ્રથમ રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રાના માર્ગો પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી, શરબત અને ઠંડાં પીણાંની વ્યવસ્થા કરાઈ હતી. કુંભનાથ મહાદેવ મંદિર પરિસરમાં માનવમેદની ઉમટી પડી હતી.











































