ધોરાજી શહેરમાં ગેલેક્સી ચોક, આઝાદ ચોક, ત્રણ દરવાજા અને સ્ટેશન રોડ જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં રખડતા પશુઓએ અડિંગો જમાવતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો, શાળાઓ અને હોસ્પિટલો આસપાસ રખડતા પશુઓ તથા અવારનવાર સર્જાતા આખલા યુધ્ધને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. લારી-ગલ્લા અને શાકભાજીના વેપારીઓને પણ આ પશુઓ નુકસાન પહોંચાડી રહ્યા છે. ભૂતકાળમાં ઢોર નિયંત્રણ કમિટી કાગળ પર જ રહી જતાં નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજીના રહીશોએ નગરપાલિકા પાસે વહેલી તકે કડક કામગીરી કરી રખડતા પશુઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા માંગ કરી છે.








































