રાજુલાના હડમતીયા ગામે હોલ બનાવવા માટે જગ્યાની માંગણી કરતા ઝાપટ મારીને ધમકી આપવામાં આવી હતી. આ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.નિતિનભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૯)એ રાણીંગભાઈ આતાભાઇ પીંજર તથા આતાભાઈ ભીખાભાઈ પીંજર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ હડમતીયા ગામના ઉપસરપંચ હોય અને તેઓ પોતાના સમાજના કામ માટે આંબેડકર હોલ બનાવવા સારુ જગ્યાની માંગણી કરવા સરપંચના પતિ રાણીંગભાઈને કહેતા તેમને સારું નહોતું લાગ્યું. આરોપીએ તેમને ગાલ ઉપર બે-ત્રણ ઝાપટ મારી અને શર્ટનું ખિસ્સું ફાડી નાખ્યું હતું. ઉપરાંત આતાભાઈએ સાહેદને ધક્કો મારી પછાડી દીધા હતા અને ઇજાઓ કરી હતી. તેમને તથા સાહેદને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અને તેના પિતા સાહેદ રમેશભાઇને ધમકી આપી હતી.જે બાદ રાણીંગભાઇ આતાભાઇ પીંજર (ઉ.વ.૪૨)એ નિતિનભાઇ રમેશભાઇ ચૌહાણ તથા રમેશભાઇ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પત્ની ગામના સરપંચ છે. તેઓ સરપંચના પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા અને ગામમાં પ્રાથમિક શાળા પાસે બ્લોકનું કામ ત્રણેક દિવસથી શરૂ હતું. નિતિનભાઈ ચૌહાણ ગામના ઉપસરપંચ હતા. તેમની પાસે જઇ તે જગ્યાએ તેમના સમાજ માટે આંબેડકર ભવન બનાવવા માટે જગ્યા ફાળવવાનું કહેતા તેમણે કહ્યું કે તે મારા હાથની વાત નથી, તેના માટે મારે પંચાયતના સભ્યો તથા ગામલોકોને પૂછવું પડે. જે વાતનું મનદુઃખ રાખી ગાળો આપી ગાલ ઉપર બે ધોલ મારી, ટાંટિયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































