અમરનાથ ગુફા તરફ જતા માર્ગ પર શેષનાગ તળાવ પાસે જેસીબી મશીન દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાના એક વીડિયોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. આ વિવાદ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. રસ્તાના બાંધકામ માટે જેસીબી મશીનોના ઉપયોગથી વ્યાપક આક્રોશ અને નાજુક હિમાલયના પર્યાવરણ પ્રત્યે ઊંડી ચિંતા ફેલાઈ છે.રાજકીય નેતાઓ અને પર્યાવરણ કાર્યકરોએ ભારે મશીનરીના ઉપયોગ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે બાંધકામ કાર્ય તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. તેના જવાબમાં, જમ્મુ અને કાશ્મીરમાં ટ્રેકર્સ અને પ્રકૃતિ પ્રેમીઓએ ઝબરવાન હિલ્સમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ બેનરો અને પ્લેકાર્ડ લઈને સરકારને પ્રકૃતિ સાથે છેડછાડ ન કરવાનો સંદેશ આપ્યો.
પથ્થકીઓ દલીલ કરે છે કે પર્યાવરણ સાથે આવી છેડછાડ તેની કુદરતી સુંદરતાનો નાશ કરશે. તેઓ ચેતવણી આપે છે કે કાશ્મીર ઉત્તરાખંડમાં જાવા મળેલી પરિસ્થિતિનો સામનો કરી શકે છે, જ્યાં પ્રકૃતિના વધુ પડતા શોષણથી ભારે વિનાશ થયો છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે શેષનાગ તળાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળપણથી જ આપણને શીખવવામાં આવ્યું છે કે આપણે આપણા પર્યાવરણ અને વન્યજીવનનું રક્ષણ કરવું જાઈએ, પરંતુ આવું થઈ રહ્યું નથી. ભવિષ્યની પેઢીઓ માટે શું બચશે? જો આપણે આજે શેષનાગને બચાવવા માટે અવાજ નહીં ઉઠાવીએ, તો કાલે બીજી ઘણી જગ્યાઓ ખોવાઈ શકે છે. વધુમાં, આ રસ્તો મજૂરો દ્વારા સરળતાથી રિપેર કરી શકાય છે; જેસીબી મશીનની કોઈ જરૂર નથી.
પ્રદર્શનો કરનારાઓએ કહ્યું કે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે એક મોટી મશીન દેખાય છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે મોટા રસ્તા બાંધકામ પ્રોજેક્ટ્સમાં થાય છે. એક નાનું ટ્રેક્ટર પૂરતું હોત. વીડિયો જોયા પછી, મનમાં પહેલો વિચાર એ આવ્યો કે જેને તેઓ “વિકાસ” કહે છે તે ખરેખર વિકાસ નથી; તે વિકાસના નામે વિનાશ છે. કાશ્મીરને ઘણીવાર “સ્વર્ગ” કહેવામાં આવે છે, જે અસંખ્ય પર્વતો અને તળાવોથી બનેલું સ્વર્ગ છે, અને તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. જો સરકાર આ સુંદરતાનો નાશ કરી રહી છે, તો તે સ્થાનિક લોકો ચૂપ રહેવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?
તેમણે કહ્યું કે અહીંના તળાવો અને નદીઓ આ પર્વત તળાવો અને પર્વતોમાંથી ઉદ્ભવે છે; ધોધ અને નાળા અહીંથી વહે છે. આ વિકાસ નથી; આ આપણા કુદરતી પર્યાવરણનો વિનાશ છે. અમારી એક જ વિનંતી છે કે શેષનાગ જેવા સ્થળો, અથવા અન્ય કોઈપણ સ્થળ જેને રસ્તાઓ કે સમાન માળખાગત સુવિધાઓની જરૂર નથી, તેને જેમના તેમ છોડી દેવી જોઈએ. કુદરતે તેમને પહેલાથી જ સંપૂર્ણ રીતે આકાર આપ્યો છે.
અગાઉ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શેષનાગ તળાવની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચંદનવાડી ખાતે પોલીસે તેમને અટકાવ્યા હતા. મહેબૂબાએ અમરનાથ ગુફાની આસપાસ પર્યાવરણીય રીતે સંવેદનશીલ હિમનદી ક્ષેત્રમાં થઈ રહેલા બાંધકામ કાર્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીડીપી પ્રમુખે એમ પણ કહ્યું હતું કે આ તળાવ હિન્દુ પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે વાર્ષિક અમરનાથ યાત્રાને “કાશ્મીરીયત” અને હિન્દુ-મુÂસ્લમ ભાઈચારાના સદીઓ જૂના પ્રતીક તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું, “શેષનાગમાં શું થઈ રહ્યું છે તે વિશે અમને જે માહિતી મળી રહી છે તે અત્યંત ભયાનક છે. મોટી મશીનરી અને ભારે બુલડોઝર ત્યાં ખસેડવામાં આવ્યા છે. આ સ્થળ અમરનાથ ગુફાથી માત્ર થોડા કિલોમીટર દૂર છે, અને ખોદકામનું કામ ચાલી રહ્યું છે.”જોકે, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓનું કહેવું છે કે બાંધકામ સ્થાપિત નિયમો, પર્યાવરણીય સંરક્ષણ પગલાં અને વ્યાપક જાહેર હિત અનુસાર હાથ ધરવામાં આવી રહ્યું છે.




































