કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવનારો ૫થી ૯ વર્ષનો એક નર દીપડો વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે. વન વિભાગની ટીમે દીપડાને સુરક્ષિત રીતે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ગામમાં દીપડાની સતત અવરજવરથી ભયનો માહોલ સર્જાયો હતો, જેથી સ્થાનિક રહીશ મયુરભાઈ દુલાભાઈએ વન વિભાગને જાણ કરી હતી. આ માહિતીના આધારે જામવાળા રેન્જના છારા રાઉન્ડના વનકર્મીઓએ ૭ ઓગસ્ટના રોજ દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. દીપડાને ટૂંક સમયમાં જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરાશે. ગોહિલની ખાણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓની અવરજવર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ સમગ્ર સીમ વિસ્તાર દીપડાઓ માટે કાયમી વસવાટનું કેન્દ્ર બની રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષ ઘટાડવા અને સુરક્ષા માટે ગ્રામજનોએ વનવિભાગ પાસે વિશેષ માંગ કરી છે. તેમણે આસપાસના વિસ્તારોનો યોગ્ય સર્વે કરી વનવિભાગનું નિયમિત પેટ્રોલિંગ ગોઠવવા અપીલ કરી છે.







































