દુબઈમાં રમાઈ રહેલા મહિલા ટી ૨૦ એશિયા કપ ૨૦૨૬ માં ગ્રુપ સ્ટેજ મેચોના સમાપન પછી, સેમિફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોના નામ પુષ્ટિ થઈ ગયા છે. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો ગ્રુપ એ માંથી ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે ડીફેન્ડીંગ ચેમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશની મહિલા ટીમો ગ્રુપ બીમાંથી ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશની મહિલા ટીમનો સામનો કરશે, જે ૧૦ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાત્રે ૮ઃ૦૦ વાગ્યે રમાશે. બધાની નજર ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર રહેશે, કારણ કે અત્યાર સુધી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં બાંગ્લાદેશની મહિલા ટીમ સામે તેમનો રેકોર્ડ મજબૂત છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશની મહિલા ટીમ સહિત અન્ય એશિયન ટીમો સામે મજબૂત રેકોર્ડ છે. ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશ સામે કુલ ૨૪ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી ૨૧ જીતી છે અને ફક્ત ત્રણ હારી છે. ભારતીય મહિલા ટીમને છેલ્લે ૨૦૨૩ માં બાંગ્લાદેશ સામે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેઓ મીરપુર મેદાન પર રમાયેલી મેચમાં ૪ વિકેટથી હારી ગયા હતા. ત્યારથી, બંને ટીમો વચ્ચે કુલ ૮ મેચ રમાઈ છે, અને ભારતીય મહિલા ટીમે તે બધી જીતી છે.
ટી ૨૦ એશિયા કપમાં બાંગ્લાદેશ મહિલા ટીમ સામે ભારતીય મહિલા ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે કુલ ૫ મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે ત્રણ મેચ જીતી હતી, જ્યારે બાંગ્લાદેશે બે જીતી હતી. ૨૦૨૪ માં રમાયેલા છેલ્લા મહિલા ટી ૨૦ એશિયા કપમાં, બંને ટીમો સેમિફાઇનલમાં પણ ટકરાઈ હતી, જેમાં ટીમ ઈÂન્ડયાએ એકતરફી ૧૦ વિકેટથી જીત મેળવી હતી.













































