અમરેલીના સરંભડા ગામે સીસીટીવી કેમેરો ઉતારી લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે અનિલભાઈ જયંતીભાઈ દુધાત (ઉ.વ.૪૫)એ જયરાજભાઈ રસીકભાઈ દાફડા તથા કિરીટભાઈ વાલજીભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપીઓ રેતીની ચોરી કરતા હતા. તેથી ગ્રામજનોએ લોકભાગીદારીથી ગામની સુરક્ષા માટે બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેમાંથી એક કેમેરો કાંતિભાઈ દુધાતના ઘરની દીવાલ પર લગાવવામાં આવ્યો હતો, જે શેત્રુંજી નદીના પટ તરફ જવાના રસ્તે આવેલો હતો. આ કેમેરો આરોપીઓને રેતી ચોરી કરવામાં નડતરરૂપ બનતો હતો.આથી આરોપીઓએ અનિલભાઈને કેમેરો ઉતારી લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ બંને કેમેરા તોડીને નુકસાન પહોંચાડ્યું હતું.








































