
જાફરાબાદ તાલુકાના ભાડા ગામે દીકરીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં માતા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે ભાણીબેન સામતભાઈ મકવાણા (ઉ.વ. ૫૫)એ ચિત્રાસર ગામના રામભાઈ બુધાભાઈ સોલંકી, મનસુખભાઈ બાંભણિયા અને બુધાભાઈ છનાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીની દીકરીને રામભાઈ બુધાભાઈ સોલંકી (રહે. ચિત્રાસર) સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જોકે બાદમાં દીકરીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડી દીધી હતી. આમ છતાં, ફરિયાદી તથા તેમની દીકરી જન્માષ્ટમીના તહેવારમાં ગયાં હતાં ત્યારે આરોપી રામભાઈએ દીકરીનો વારંવાર પીછો કર્યો હતો અને તેને બોલાવતો હતો. આથી દીકરીએ આ પ્રેમસંબંધ હવે નહીં રાખવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. જ્યાં પ્રેમસંબંધ ન રાખવાની બાબતે ઉશ્કેરાઈને ત્રણેય આરોપીઓએ તેમને ગાળો આપી ઝઘડો કર્યો હતો. તેમજ મોઢાના ભાગે, ઉપરના હોઠ પર તથા શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































