કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના અવસાનથી કોંગ્રેસ પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયા પક્ષમાં લાંબા સમયથી સંગઠનાત્મક કામગીરી માટે જાણીતા રહ્યા છે. જાહેર જીવનમાં મોટા ભાગે પડદા પાછળ રહીને કામ કરવાનું પસંદ કરનારા બાબરિયાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી) અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)માં વિવિધ જવાબદારીઓ સંભાળી છે. દીપક બાબરિયાએ પોતાના જીવનના ૫૩ વર્ષથી વધુ સમય સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સ્તરે મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. વર્ષ ૨૦૨૦માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા.
દીપક બાબરિયાએ ૧૯૭૭થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી તરીકે આશરે ૨૦થી ૨૫ વર્ષ સુધી કામગીરી કરી હતી. ત્યારબાદ ૨૦૧૧થી તેમણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી હતી. બાબરિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી દરમિયાન વધુ પડતા કામના દબાણને કારણે આવું થયું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. તે સમયે તેમણે પોતાની ઓળખ કોંગ્રેસના કાર્યકર તરીકે આપી હતી.
બાબરિયાનો જન્મ ૧૯૫૧માં જામનગરમાં થયો હતો. તેમના પિતા રતિલાલ મણિદાસ બાબરિયા સ્વાતંત્ર્યસેનાની હતા અને નવાનગર પ્રજા મંડળ સાથે સંકળાયેલા હતા. બાબરિયાનું શાળાકીય શિક્ષણ સૌરાષ્ટÙમાં થયું હતું. તેમણે ૧૯૭૩-૭૪માં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. યુનિવર્સિટીમાં રેન્ક મેળવવા બદલ તેમને મેડલ પણ મળ્યો હતો. બાબરિયાએ મીડિયાની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાની ઇચ્છા હતી અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ પણ મળી ગયો હતો. જાકે, ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના સમયગાળા દરમિયાન તેમના પિતાએ તેમને પરિવારની આર્થિક મદદની સાથે સમાજ માટે પણ કામ કરવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતમાં રહીને કામ કરવાનો નિર્ણય લીધો હતો.










































