અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. બેઠકમાં માર્ગ સલામતીની વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અકસ્માતો ઘટાડવા સ્પીડ લિમિટ, યોગ્ય સાઇનેજ બોર્ડ, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ અને કેટ આઈઝ સહિતની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેલરોમાં રેડિયમ રિફ્‌લેક્ટર લગાવવા અને રિફ્‌લેક્ટર વગરના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા કલેક્ટરે તાકીદ કરી હતી. નેશનલ હાઈવે પર તોડાયેલા ડિવાઈડર તથા દબાણો દૂર કરવા પણ સૂચના આપવામાં આવી હતી. વૃક્ષોનું સમયસર ટ્રીમીંગ કરાવવા સાથે વાહનચાલકોને મોબાઈલનો ઉપયોગ ન કરવા અને અતિશય ઝડપે વાહન ન ચલાવવા અપીલ કરાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.