રાખનાં રમકડાં

સ્મશાનેથી પરત આવ્યા પછી હવે દામોને આ કમળાપુરનું વિશાળ ઘર હવે સ્મશાન જેવું લાગતું હતું. પરંતુ મૃત્યુ પામનાર સ્વજન વ્યક્તિ પાછળ જે વિધિ, જે શાસ્ત્રોક્ત વિધિ કરવાની હોય તે તો પૂરી કરવી જ પડે. એ ન્યાયે બે દિવસ પછી સુવાલીની ક્રિયા પૂરી થઈ. આમ દિવસો વીતતા ચાલ્યા. અગિયારમા દિવસે મૃતાત્માને પિંડદાન અર્પણ કરી, શ્રાદ્ધ કરવામાં આવ્યું. સગાં-વહાલા અને બ્રાહ્મણોને ભાવતું ભોજન કરાવ્યું. પછી વળી બારમા દિવસે ઘરે પિતૃઓને પિંડદાન વગેરેથી શ્રાદ્ધ કરવામાં આવ્યું.
છેલ્લે… કપડાં, છત્રી, સોય, પાનપેટી, ધાંગળી, પગરખાં, ખાટલો, ગાદલું, ગોદડું, ઓશીકું, ચાદર, વાસણો અને ઘરેણું,… એવું બધું બ્રાહ્મણને દાન કરવામાં આવ્યું. આ ઉપરાંત કહેવાતા ડાહ્યાને સારી એવી લહાણી પણ કરવામાં આવી.
આમ રીતે પોતાના વતન કમળાપુરમાં એકધારા તેરથી પંદર દિવસ શાંતુ અને દામો રહ્યાં. રહેવું જ પડે, દામો સમજણનો કળયાગો દીકરો હતો. અને દીકરા તરીકેની બધા જ ફરજ દામોએ મનમૂકીને પૂરી પણ કરી હતી.
સમય ચાલ્યા જ કરે છે. સમય જતાં બધા સારા કે નરસા પ્રસંગો થોડા ઝાંખા તો પડે જ. દુઃખનું ઓસડ દહાડા એ ન્યાયે દુઃખ ઓછું થતું જાય છે. આ બધા જ લીલા કુદરતની છે, તેનો ન્યાય છે. અને આવું થાય તો જ માણસ જીવી શકે છે.
આમ બા પાછળ કરવી પડતી બધા જ ધાર્મિક ક્રિયાઓ કમળાપુરમાં જે હવે પૂર્ણ થઈ ગઈ હતી. એટલે પછી સરપંચ, વડીલોનો, મિત્રો અને પડોશીઓનો ખૂબ ખૂબ અંતરપૂર્વક આભાર માની, પગે લાગી, હાથ જોડીને પછી શાંતુ તથા દામો આણંદવેલી જવા માટે નીકળ્યાં. કમળાપુરની ધરતીને પણ વંદન કરતાં દામો મનોમન એટલું બોલ્યો : બા…, તમે જ્યાં હો ત્યાંથી આ તમારા દામોને આશીર્વાદ આપતાં રહેજો… આમ અવેલી પહોંચીને ઘરમાં પ્રવેશતાંની સાથે વળી દામલ સાવ પડી ભાંગ્યો. એકદમ ખુલ્લા દિલે, મન મૂકીને તે ખૂબ ખૂબ રડ્‌યો, રડી જ લીધું. ને દામલનું આવું રુદન જોઈ શાંતુ પણ રડી પડી હતી. અંતે રડમસ અવાજે શાંતુ બોલીઃ
“બા… માત્ર તારા એકલાના જ બા ન હતા. મારા પણ તેઓ સગાં બા હતાં. હવે જો, તેમની પાછળ કરવી પડતી તમામ ધાર્મિક વિધિ આપણે સાચા દિલથી પૂરી કરી છે. ને સાચા દિલથી કરેલું પૂણ્યનું કામ ભગવાન સ્વીકારે જ છે. માટે હવે ભગવાન ભોળાનાથનું નામ લઈ આપણે આપણી બા…ના આત્માને શાંતિ થાય તેવું કર્તવ્ય હંમેશા કરતાં રહેવાનું છે. માટે આપણે હવે કંઈક વિચાર કરવો જોઈએ. આવું કંઈક પૂણ્ય કર્મ થશે, આપણા હાથે આવા કર્મો થશે તો જ બાના આત્માને જરૂર શાંતિ થશે. અને બાના આશીર્વાદ પણ આપણને મળશે જ…”
આંખોમાંથી નીકળતાં આંસુને દુપટ્ટાથી લૂંછતાં લૂંછતાં દામલ બોલ્યોઃ “તારી વાત ખૂબ જ સાચી છે, શાંતુ…! પરંતુ ઘડીએ ઘડીએ બાનો હસતો રહેતો ચહેરો મારી આંખો સામે આવે છે તેનું હું શું કરૂં?”
“બા તો બા હતાં, સહનશીલતાની જીવંત મૂર્તિ…! તેઓ એવા હતા કે, સપનામાં પણ તેમણે કદી કોઈપણ વ્યક્તિનું ખરાબ વિચાર્યું જ ન હતું. એટલે તો તેમણે તેમનું પોતાનું મોત પણ દેવું સુધારી લીધું…! સાવ સાજા-નરવા, નખમાં પણ રોગ નહીં ને એક રૂપિયાની દવા પણ નહીં. હાલતાં-ચાલતાં, હસતાં હસતાં આપણને કોઈપણ જાતનો સંકેત કર્યા વગર, કોઈને કડ્‌યા વગર બસ… એમ જ ચાલ્યા ગયાં. વહુ કે દીકરાની રતિભાર સેવા ચાકરી કરાવ્યા વગર સીધા જ સ્વર્ગે સીધાવ્યાં…” શાંતુએ ગળગળા થઈ વાત કરી.
“બા… અતિશુધ્ધ પવિત્ર હતાં એટલે તેમનું મૃત્યુ પણ શાંત અને જરાપણ યાતના વગરનું રહ્યું. ખોળિયું છોડ્‌યા પછી પણ તેના વદન પર તો એવું સ્મિત જ રમત રમતું હતું… એ તો મેં નજરે જોયું હતું.” દામલ બોલ્યો.
થોડીવાર આવી બધી વાતો થતી રહી. દામલ અને શાંતુ આમ તો શાંતિથી બેઠાં હતાં, ત્યાં તો દામલને કંઈક યાદ આવતાં તેણે શાંતુને કહ્યુંઃ “તું જરા જો તો ખરી, મહેશના રૂમમાં આંટો તો માર… તે છે કે નહીં…?! કે પછી…”
દામલના કહેવાથી શાંતુ તરત જ ઊભી થઈ અને મહેશના રૂમ તરફ ચાલી. ત્યાં જઈને જોયું તો રૂમનું બારણું બંધ હતું. ધક્કો મારતાં જ બારણું ખૂલી ગયું. જોયું તો
રૂમમાં કોઈ હતું નહીં એટલે ફરી બારણું ઢાંકું વાસી તે પાછી ફરી ને દામલ પાસે બેસતાં બોલીઃ “એ રૂમમાં કોઈ નથી, ઓફિસે જ હશે. હવે થોડીવારમાં તો તે પણ આવવો જ જોઈએ…”
(ક્રમશઃ)