અમરેલી જિલ્લાના રાજકોટ-ભાવનગર હાઇવે પરથી બાબરા પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. પોલીસને બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પી.આઈ. રાજેશ પરમાર અને તેમની ટીમે આંબલીધાર અને ગોગાળ ગામ નજીક શંકાસ્પદ એમ્બ્યુલન્સને અટકાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતાં દર્દીના કેબિનમાં સ્ટ્રેચર બેડની નીચે ખાસ બનાવેલું એક ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧,૯૬૮ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. ૩,૫૬,૦૭૨ હતી. પોલીસે સ્થળ પરથી રૂ. ૭ લાખની કિંમતની એમ્બ્યુલન્સ, દારૂનો જથ્થો અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૧૦,૬૬,૬૮૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ગોંડલના રહેવાસી એમ્બ્યુલન્સ ચાલક સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલની ધરપકડ કરી હતી. તેમજ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને પહોંચાડવાનો હતો, તેમજ આ નેટવર્કમાં અન્ય કયા બુટલેગરો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી સાત લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ ઉપરાંત વિવિધ સ્થળેથી ૧૦ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા જોવા મળ્યા હતા.