??????

અમરેલી ખાતે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને શાંતાબહેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસમાં જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો હતો. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને પર્યાવરણ જતન માટે પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બીજ મેળાની મુલાકાત લઈ વિવિધ પ્રજાતિના બીજ તેમજ વન વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ વિદ્યાસભા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં વન મહોત્સવની શરૂઆત કરી હતી. આજે ૭૭મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે માત્ર સરકાર દ્વારા વૃક્ષો વાવવા પૂરતું નથી, પરંતુ દરેક નાગરિકે વૃક્ષારોપણ કરી તેના જતનની જવાબદારી નિભાવવી જરૂરી છે.તેમણે ‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનનો ઉલ્લેખ કરી દરેક વ્યક્તિને પોતાની માતાના નામે વૃક્ષ વાવવા તેમજ પોતાના નામે ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વધુ ૮ હેક્ટર વિસ્તારમાં ૮ નવા વન કવચ બનાવવામાં આવશે. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ૧૬ નર્સરીમાં ઉછેરવામાં આવેલા ૧૫ લાખ રોપા વિતરણ માટે ઉપલબ્ધ છે. અમરેલી વિભાગના વિવિધ વિસ્તારોમાં આશરે ૪૩૦ હેક્ટર વિસ્તારમાં બે લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે ખેલાડીઓ, ખેડૂતો અને લાભાર્થીઓનું સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓએ વૃક્ષ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવતી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. નિશુલ્ક રોપા વિતરણ માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. દરમિયાન અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં નવા નીરની આવક થતાં ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. રાજ્યમંત્રીએ જળાશય ખાતે નવા નીરનું પૂજન કરી જળસંચયનું મહત્વ સમજાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો દરેક ટીપો અમૂલ્ય છે. તળાવો, ચેકડેમ અને અન્ય જળસંચયના સ્થળોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો યોગ્ય ઉપયોગ કરવો સૌની જવાબદારી છે. નવા નીરની આવકથી ખેતી, સિંચાઈ અને પશુપાલનને લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.