રાજુલા તાલુકાના વિક્ટર ગામ ખાતેની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સામાજિક વર્ગીકરણ કાર્યક્રમ અંતર્ગત વિક્ટર રાઉન્ડનો ગ્રામ્ય કક્ષાનો ૭૭મો વનમહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. પર્યાવરણના સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ તથા જવાબદારીની ભાવના કેળવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિપુલભાઈ ઘુંચલાના માર્ગદર્શન હેઠળ શાળાનો સમગ્ર સ્ટાફ તથા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ, પર્યાવરણનું જતન, જળ અને જમીન સંરક્ષણ તથા હરિયાળા પર્યાવરણના નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ માત્ર શાળામાં જ નહીં પરંતુ પોતાના ઘેર પણ વૃક્ષ વાવીને તેનું નિયમિત જતન અને ઉછેર કરવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વન વિભાગ તરફથી જે. આર. જોરા (વનપાલ), બી. બી. ચાંદુ (વનરક્ષક) તથા પી. કે. વાઘેલા (વનરક્ષક) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિક્ટર ગામના અગ્રણી કાર્યકર્તા મનાભાઈએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.