ટેકનોલોજીના વધતા વ્યાપ વચ્ચે સાયબર ઠગો દર્દીઓની લાચારીનો પણ લાભ ઉઠાવવા લાગ્યા છે. સાવરકુંડલામાં વજનકાંટાનો વેપાર કરતા એક વેપારીને પત્ની માટે અમરેલીના જાણીતા તબીબની એપોઇન્ટમેન્ટ લેવી ભારે પડી હતી. ગઠિયાઓએ ફોન હેક કરી વેપારીના બેન્ક ખાતામાં રહેલી ફિક્સ ડિપોઝિટ (FD) તોડી રૂ. ૪.૧૨ લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી લેતાં સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.ભરતભાઇ વલ્લભભાઇ મકવાણા (ઉ. વ.૫૨)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પત્નીની તબિયત ખરાબ હોવાથી તેમણે અમરેલીના જાણીતા ડોક્ટર પી. પી. પંચાલના દવાખાને સારવાર અર્થે જવાનું હતું. આ માટે તબીબની આગોતરી એપોઇન્ટમેન્ટ મેળવવા વેપારીએ ગૂગલ પર સંપર્ક નંબર સર્ચ કર્યો હતો. ત્યાંથી મળેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં સામેવાળી અજાણી વ્યક્તિએ ડોક્ટરના ક્લિનિકમાંથી વાત કરતો હોવાનો ઢોંગ રચ્યો હતો.ઠગે એપોઇન્ટમેન્ટ બુકિંગના નામે વેપારીને વોટ્સએપ પર એક ફાઇલ/એપ્લિકેશન મોકલી આપી હતી. વેપારીએ પત્નીની વિગતો ભરી ‘Book Appointment’ પર ક્લિક કર્યું હતું. આ ફાઇલ પર ક્લિક કરતાં જ ગઠિયાઓએ વેપારીનો મોબાઇલ ફોન હેક કરી લીધો હતો. ત્યારબાદ વેપારીના બેન્ક ખાતામાં રહેલી રૂ. ૪,૧૨,૨૬૨ ની ફિક્સ ડિપોઝિટ પ્રિ-મેચ્યોર તોડીને તે રકમ વેપારીની જાણ બહાર અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી.ખાતામાંથી મોટી રકમ ઉપડી ગયાનો મેસેજ મળતાં જ વેપારી ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે પોતાની સાથે તબીબના નામે ઠગાઈ થયાનું જણાતાં વેપારીએ સાયબર પોલીસનો સંપર્ક સાધી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.








































