લાઠી તાલુકાના કાંચરડી-ઢસા જંકશન રોડને પહોળો કરવા માટે રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે હાથ ધરાનાર મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાંચરડી તથા આસપાસના ગ્રામજનો માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. આ માર્ગ પરથી દૈનિક ધોરણે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી માર્ગને પહોળો કરવાની લાંબા સમયથી જરૂરિયાત અનુભવાતી હતી. માર્ગ પહોળો થવાથી વાહનવ્યવહાર વધુ સરળ અને સુગમ બનશે તેમજ મુસાફરી દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ રોડ પહોળો થવાથી કાંચરડી તેમજ આસપાસના ગામોના લોકોને અવરજવર માટે વધુ સારી સુવિધા મળશે, સાથે સાથે વાહનવ્યવહારની સલામતીમાં પણ વધારો થશે. ખેતીવાડી વિસ્તારમાંથી
કૃષિ પેદાશોના પરિવહન સહિત સ્થાનિક લોકોના રોજિંદા આવન-જાવનમાં પણ સગવડતા ઊભી થશે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને તે માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે.