મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ ગુજરાતમાં કાયદાકીય રીતે સંપૂર્ણ દારૂબંધી છે, પરંતુ તેની અમલવારી માત્ર કાગળ પર જ રહેતી હોય તેવી સ્થિતિ સતત સામે આવી રહી છે. તાજેતરમાં ભાવનગર વિસ્તારમાં બનાવટી ઇંગ્લિશ દારૂના કારણે લોકોના મોત નીપજ્યા હતા અને અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા. આટલી મોટી દુર્ઘટના છતાં ભાવનગર રેન્જ હેઠળ આવતા અમરેલી જિલ્લામાં દારૂબંધીની અમલવારીમાં કોઈ કડક પગલાં દેખાતા નથી. અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકામાં આવેલા નાજાપુર ગામમાં દારૂના દૂષણને કારણે યુવાધન અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે. સ્થાનિક મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચતાં તેમણે સળંગ બે દિવસ સુધી દારૂના અડ્ડાઓ પર ‘જનતા રેડ’ કરી હતી. સ્થાનિકોએ ૧૧૨ નંબર પર કાલ કરીને પોલીસને જાણ કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસને ઘટનાસ્થળેથી દારૂનો કોઈ જથ્થો મળ્યો નહોતો. તે જ સ્થળેથી રોષે ભરાયેલી મહિલાઓ અને બાળકોએ જાતે દારૂ શોધી કાઢ્યો હતો. આ જનતા રેડના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર અમરેલી જિલ્લા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વિડીયોમાં મહિલાઓ પોતાની વેદના ઠાલવતા જણાવે છે કે પુરુષો સવારથી જ દારૂના નશામાં રહે છે, અને મહેનત-મજૂરીના નાણાં આ બદી પાછળ હોમાઈ રહ્યા છે. વિડીયોમાં બુટલેગરો હપ્તા આપતા હોવાના આક્ષેપો પણ સાંભળવા મળે છે. આ ઘટના પરથી સવાલ થાય છે કે શું માત્ર નાજાપુરમાં જ આ ખેલ ચાલે છે કે પછી પોલીસની છત્રછાયા હેઠળ સમગ્ર વિસ્તારમાં વેપલો ધમધમે છે? જો તંત્ર આ બાબતે ત્વરિત અને કડક કાર્યવાહી નહીં કરે, તો દેશી દારૂના કારણે મોટી હોનારત થવાની શક્યતા નકારી શકાય નહીં. પોલીસ તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં બુટલેગરો સામે કડક ઝુંબેશ ચલાવે તે અત્યંત જરૂરી બન્યું છે