લીલીયા મોટા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ આર. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં નરેગા યોજનાના મજૂરોના બાકી પગાર તાત્કાલિક ચૂકવવા, વરસાદની અછતને પગલે પાક નિષ્ફળ જવાની સ્થિતિ હોવાથી દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય આપવા તથા ખેડૂતોના કરજ માફ કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત પશુપાલકો માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા અને મજૂર વર્ગને રોજગારી મળી રહે તે માટે નરેગાના કામો શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બે મહિના અગાઉ થયેલી અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ગામડાઓમાં સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્તોને સહાય અને કેશડોલ તાત્કાલિક ચૂકવવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જગાભાઈ દેથલીયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.