બગસરા સરકારી હોસ્પિટલમાં આશરે દોઢ મહિના પહેલાં જ શરૂ કરાયેલો ડાયાલિસિસ વિભાગ ટેકનિશિયનના અભાવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક કક્ષાએ કિડનીના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી લોકરજૂઆતો અને આંદોલનની ધમકીઓ બાદ આ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, ઉદ્ઘાટનના ટૂંક સમયમાં જ ટેકનિશિયન ચાલ્યા જતાં ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ રઝળી પડ્‌યા છે.આ ઉપરાંત, હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની મહત્વની જગ્યા પણ લાંબા સમયથી ખાલી હોવાથી દવા વિતરણની કામગીરી ખોરવાઈ છે અને સામાન્ય દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સરકારી દવાખાનામાં સુવિધાઓ શરૂ કર્યા બાદ સ્ટાફના અભાવે વિભાગો બિનકાર્યક્ષમ બનતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દર્દીઓને હવે મોંઘી સારવાર માટે દૂરના શહેરોમાં જવાની ફરજ પડી રહી છે. તંત્ર દ્વારા ત્વરિત ધોરણે ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની નિમણૂક કરી સેવાઓ પૂર્વવત કરવાની માંગ ઉઠી છે.