બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પ્રેમલગ્ન બાબતે સતત મળતી ધમકીઓથી ત્રાસી જઈને એક પરિણીત યુવકે ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર મચી જવા પામી છે.આ અંગે ચીમનભાઇ મનુભાઇ મારુ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ જગદીશભાઈએ રાંદલના દડવા ગામના સતીષભાઈ લાભશંકરભાઈ રાજ્યગુરુની પુત્રી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. બંનેએ પોતાની મરજીથી સંસાર માંડ્યો હતો, પરંતુ આ લગ્નથી યુવતીના પિતા સતીષભાઈ નારાજ હતા અને તેમને આ સંબંધ સ્વીકાર્ય નહોતો.પ્રેમલગ્નની નારાજગીને પગલે યુવતીના પિતા સતીષભાઈ અવારનવાર તેમના ભાઈ જગદીશભાઈને ફોન કરી ધમકીઓ આપતા હતા. સતત અપાતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને તેમના ભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.







































