સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અટલધારા કાર્યાલય ખાતે વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સાવરકુંડલા શહેર સહિત સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સની વર્તમાન સ્થિતિ અને કામગીરીની ગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાકી રહેલા કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્ય મહેશ કસવાળાએ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી કામોની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય અને તમામ કામો સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે ભાર મૂક્યો હતો. જનહિતના કામોને પ્રાથમિકતા આપી ગુણવત્તા જાળવી ઝડપી કામગીરી કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.