અમરેલી જિલ્લામાં તાર ફેન્સિંગ યોજનામાં પૂર્વ મંજૂરી મેળવનાર તમામ લાભાર્થીઓને જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તા. ૫ જૂનથી ૧૯ જૂન, ૨૦૨૬ દરમિયાન ૪૪૯ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી.
લાભાર્થીઓએ મંજૂરી મળ્યાના ૬૦ દિવસની અંદર નિર્ધારિત સ્પેસિફિકેશન મુજબ તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરી જીપીએસ સાથેના ફોટા, જીએસટી બિલ તથા જરૂરી દસ્તાવેજો આઈ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા પડશે. ત્યારબાદ તમામ અસલ દસ્તાવેજો સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) અને ગ્રામસેવકને જમા કરાવવાના રહેશે. સમયમર્યાદા બાદ અપલોડ અથવા ક્લેમ રજૂ કરનાર અરજદારોની અરજી રદ ગણાશે અને સહાય માટે કોઈ દાવો માન્ય રહેશે નહીં.