(૧)શું ન પીવાય?
દર્શન પટેલ (વડોદરા)
કોઈનું લોહી.
(૨)વધારે લોકો ભેગા થાય તો જ હાસ્યરસ માણી શકાય?
અશોકભાઈ જોશી (લીલિયા મોટા)
હા, એકબીજાને ગલગલિયાં કરવા માટે લોકો તો જોઈએને!
(૩)ભગવાન મંદિરમાં જ઼ હોય કે હૃદયમાં?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
બન્ને જગ્યાએ એકસાથે પણ હોય! કેમ કાંઈ કામ હતું?!
(૪) આમાં કેમ જીવવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બધા જીવે છે એમ.
(૫) મ્યુનિસિપાલિટીને લોકો મુન્સીપાલ્ટી એવું કેમ બોલે છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
જીભના લોચા વળી ન જાય એટલા માટે.
(૬)સપનુ રાત્રે ક્યાંથી આવે છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
દિવસે જતું રહ્યું હોય ત્યાંથી.
(૭)મારે એક મહિનો ખાવાપીવાનું બંધ કરી દેવું છે.. કોઈ સલાહ?
રામભાઈ પટેલ (સુરત)
પેલા એક મહિનો માત્ર પીવાનું બંધ કરી જુઓ.
(૮)કોઈને સપનાના સપના આવતા હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
હા, પત્નીનું નામ સપના હોય એને આવી શકે.
(૯)‘સ્વસ્થ રહેવાના સો ઉપાયો’ પુસ્તકના લેખક અઠવાડિયામાં બે વાર દવાખાને લાઇનમાં ઉભેલા જોવા મળે છે; કેમ ?
કનુભાઈ પરમાર (દામનગર)
એક સો એક-મો ઉપાય શોધવા.
(૧૦)ખરેખર માણસ જાગૃત છે એવું ક્યારે કહેવાય?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
ખરેખર એ જાગૃત હોય ત્યારે.
(૧૧)ભારત મંત્ર લખવા શું કરવું જોઈએ?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
ભારતને પ્રેમ.
(૧૨)સાહેબ..! બોજ વગર મોજ થાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
ટ્રાઇ કરી જુઓ.
(૧૩)શ્રાવણ મહિનામાં મોળું ખાઈને એકટાણાં કરવા છે. થઈ શકશે?
જય દવે (ભાવનગર)
વિચાર મોળો હશે તો નહીં થઈ શકે.
(૧૪)હવેના ભૂત કેમ કોઈને વળગતા નથી?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
અત્યારે બધા માણસો મોબાઇલને વળગેલા છે. ભૂત વળગેલાને વળગતા નથી.
(૧૫)કેટલા રૂપિયા હોય તો અમીર કહેવાય. કેટલા રૂપિયા ના હોય તો ગરીબ કહેવાય?
પરમાર હર્ષિદા ડી. (જંશવતપુરા જી – પાટણ )
ગરીબ કરતાં વધારે રૂપિયા હોય એ અમીર કહેવાય અને અમીર કરતાં ઓછા રૂપિયા હોય એ ગરીબ કહેવાય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..


































