બગસરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સિટી સર્વે ઓફિસમાં એકપણ કર્મચારીની નિમણૂક ન હોવાના કારણે શહેરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સિટી સર્વે ઓફિસમાં હાલમાં કોઈ પોસ્ટિંગ ન હોવાને કારણે પ્રોપર્ટી કાર્ડ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી ગઈ છે. બીજી તરફ રજીસ્ટર ઓફિસમાં દસ્તાવેજ નોંધણી માટે ફરજિયાત પ્રોપર્ટી કાર્ડ માંગવામાં આવે છે, જેના કારણે મિલકત ખરીદ-વેચાણ કે અન્ય કાનૂની પ્રક્રિયાઓ અશક્ય બની છે. આ સ્થિતિને કારણે બગસરાના નાગરિકો સતત ચક્કર કાપી રહ્યા છે, સમય અને પૈસા બંનેનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે. સરકારી કચેરીઓ વચ્ચેના સંકલનના અભાવે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. ઘણા સમયથી આ સમસ્યા યથાવત હોવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જેથી શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.








































