રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા પંચાયત હસ્તકના ઇ-ગ્રામ વિભાગના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ્સના ઓછા વેતન મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખે રજૂઆત કરી હતી કે, તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં કાર્યરત આ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ્સ લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે, છતાં તેમને મળતું વેતન અત્યંત ઓછું હોવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ ડિજિટલ સેવાઓ, સરકારી યોજનાઓની ઓનલાઇન એન્ટ્રી, ગામસ્તરે નાગરિકોને વિવિધ સર્ટિફિકેટ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે. ગામડાંના વિકાસ અને શાસનની સેવાઓ ગામસ્તરે પહોંચાડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં, તેમની સેવા શરતો અને વેતન બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. આથી તેમને નિયમિત અને જીવનનિર્વાહ માટે પૂરતું વેતન નક્કી કરવામાં આવે તેમજ તેમની સેવાઓને કાયમી સ્વરૂપ આપવામાં આવે. આ મામલે રાજ્ય સ્તરના અનેક અધિકારીઓ અને મંત્રીઓને પણ લેખિતમાં અવગત કરવામાં આવ્યા છે.







































