આજકાલ પ્રિયંકા ગાંધી વાડ્રા અનેક રીતે ચર્ચામાં છે. એક તો વડાપ્રધાન મોદી સાથે ચા પીવા માટે. બીજું સંસદમાં માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી સાથે હળવી વાતચીત માટે. ત્રીજું, કોંગ્રેસમાંથી તેમને વડાપ્રધાન બનાવવાના ઊઠી રહેલા સૂર માટે. અને ચોથું, તેમના દીકરા રેહાનની સગાઈ માટે.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તો હજુ સ્વીકારી જ નથી શકતા કે પોતાની સરકાર નથી. તાજેતરમાં મતદાર સૂચિ પુનર્રીક્ષણ (એસઆઈઆર) થયું તે કારણે અને દિલ્લીના ન્યાયાલયમાં પણ દસ્તાવેજ છેતરપિંડીની ફરિયાદ થઈ છે તેથી સોનિયા ગાંધી પહેલાં મતદાર બન્યા અને પછી નાગરિક બન્યા તે વાત બહાર આવી છે. યાચિકા મુજબ, સોનિયા ગાંધીનું નામ મતદાર તરીકે ઈ.સ. ૧૯૮૦માં આવી ગયું હતું, પરંતુ ત્યારે તેઓ ભારતીય નાગરિક બન્યા નહોતા. ભારતીય નાગરિક ન બને ત્યાં સુધી મતદાર કેવી રીતે બની શકે? જોકે ત્યારે તો કોંગ્રેસનું એકછત્ર રાજ અત્ર, તત્ર, સર્વત્ર હતું. મીડિયા પણ પીદી મીડિયા હતું. ચૂંટણી પંચ પૂરેપુરું કોંગ્રેસના સંકેત પર ચાલતું હતું. કોંગ્રેસ સરકારો ચૂંટણી પંચના આયુક્તોને નિષ્ઠા દાખવવા બદલ પુરસ્કાર પણ આપતી હતી.
દા.ત. કે.વી.કે. સુંદરમ્ને (ઈ. સ. ૧૯૫૮-૧૯૬૭) તેઓ નિવૃત્ત થયા પછી કાયદા પંચના અધ્યક્ષ બનાવી દેવાયા હતા અને તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર અપાયો હતો. નાગેન્દ્રસિંહ (ઈ. સ. ૧૯૭૨-૭૩)ને પદ્મ વિભૂષણ અપાયો હતો. આર.કે. ત્રિવેદી (ઈ. સ. ૧૯૮૨-૧૯૮૫)ને પદ્મ ભૂષણ અપાયો હતો અને તેમને નિવૃત્તિ પછી રાજ્યપાલ બનાવાયા હતા. એન. ગોપાલસ્વામી (૨૦૦૬-૨૦૦૯)ને નિવૃત્તિ પછી પદ્મ ભૂષણ અપાયો હતો. નવીન ચાવલા (૨૦૦૯-૨૦૧૦)ની સામે તો એન. ગોપાલસ્વામીએ જ ફરિયાદ કરી હતી કે તેમનું વર્તન પક્ષપાતી હતું અને અગત્યની માહિતી તેઓ કોંગ્રેસને લીક કરી દેતા હતા. નવીન ચાવલા સામે કટોકટી કાળ વખતે શાહ પંચે પણ કહ્યું હતું કે તેઓ કોઈ પણ સરકારી પદ માટે પાત્ર નથી.
૨૦૦૨માં ગોધરા કાંડ અને તે પછીના રમખાણોનો લાભ ભાજપને ન મળે તે માટે મોડી ચૂંટણી આપનાર જેમ્સ માઇકલ લિંગ્દોહને રાહુલ ગાંધીએ પોતાના કાર્યાલયમાં કન્સલ્ટન્ટ તરીકે ૨૦૦૯માં અને ૨૦૧૪માં કામ આપ્યું હતું. અને રસપ્રદ વાત એ છે કે ૨૦૨૫માં બિહાર, હરિયાણા, કર્ણાટકમાં મત ચોરીની બૂમો પાડનાર, ભૂતિયા અથવા બાંગ્લાદેશીઓના નામો કપાઈ જતાં રાહુલ ગાંધી બૂમરાણ મચાવતા હતા ત્યારે ૨૦૦૨માં આ જ બૂમરાણ ભાજપ અને વિહિપ જેમ્સ માઇકલ લિંગ્દોહ સામે મચાવતા હતા!
નરેન્દ્ર મોદીના અભ્યર્થી વિસ્તાર મણિનગરમાં હજારો લોકોના નામો મતદાર યાદીમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. આવું એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ બન્યું હતું. જૂનાગઢના ભાજપના અભ્યર્થી મહેન્દ્ર મશરૂએ વિરોધ પ્રદર્શન કરી આક્ષેપ કર્યો હતો કે તેમના અભ્યર્થી વિસ્તારમાંથી ૩૦,૦૦૦ જણાના નામો મતદાર તરીકે અદૃશ્ય છે ! વિહિપના નેતા પ્રવીણ તોગડિયાનું નામ નરોડામાં બોલતું હતું જ્યારે કે તેમણે અનેક વર્ષ પહેલાં સરખેજ વિધાનસભા વિસ્તારમાં નામ સ્થળાંતર કરાવ્યું હતું !
સૌ પ્રથમ મહિલા ચૂંટણી આયુક્તનું શ્રેય મેળવનાર વી.એસ. રમાદેવીને નિવૃત્તિ પછી કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા. ચૂંટણી આયુક્ત તરીકે કડક હોવાની છાપ ઊભી કરનાર (એ પણ એટલે કે તે સમયે ગાંધી પરિવારના અણમાનીતા નરસિંહરાવ વડાપ્રધાન હતા) ટી.એન. શેષન નિવૃત્તિ પછી ૧૯૯૬માં એલ.કે. અડવાણી સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. તો એમ.એસ. ગિલ (૧૯૯૬-૨૦૦૧)ને ન માત્ર રાજ્યસભા સાંસદ બનાવાયા પરંતુ તેમને યુપીએ-૨ સરકારમાં યુવા અને રમતોના પ્રધાન પણ બનાવાયા હતા.
સોનિયાની જેમ રાહુલ ગાંધી પણ મોદીજીથી દૂર રહે છે. એક વખત સંસદમાં છાકો પાડી દેવા તેઓ પોતાની બેઠક પરથી ઊભા થઈને મોદીજીને મળવા ગયા હતા, તે સમય પૂરતી તેમણે સારી છાપ ઊભી કરી હતી પરંતુ તે પછી તરત જ આંખ મારીને કર્યા કારવ્યા પર પાણી ફેરવી દીધું હતું.
યથાર્થમાં, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જેમ સોનિયા-રાહુલને વિપક્ષી નેતાની ભૂમિકા જ નથી આવડતી. તેઓ શાલીનતા ભૂલી ગયા છે. ઈન્દિરા ગાંધી વિદેશ ગયા હતા ત્યારે તેમણે મોરારજી સરકાર વિરુદ્ધ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે એ અમારા ઘરનો વિષય છે. અમે ફોડી લઈશું. રાજીવ ગાંધીએ ૧૯૮૯ની ચૂંટણીમાં કોંગ્રેસ મોટો પક્ષ થયો હોવા છતાં વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું. તેમનાં નિવેદનોમાં વી.પી. સિંહ, અટલજી, ચંદ્રશેખર વગેરે વિપક્ષી નેતાઓની ટીકા સાંભળવા મળતી હતી પરંતુ તુચ્છકારો, ઉદ્દંડતા નહોતા જોવા મળતા.
રાહુલ ગાંધી એ બધી મર્યાદા ક્યારના વળોટી ગયા છે. તેઓ ઘણી વાર વડાપ્રધાન માટે તુંકારો કરે છે. તેમનો ગુસ્સો સંસદની અંદર અને સંસદની બહાર પણ જોવા મળે છે. વડાપ્રધાન સાથે એક મંચ પર આવવાનું તેઓ લગભગ પસંદ નથી કરતા. સોનિયા ગાંધીએ પણ મોદીજી માટે ક્યારેય માનવાચક વાત નથી કરી. પરંતુ પ્રિયંકા ગાંધી વાડ્રા આ બાબતે અલગ પડ્યા છે.
ચૂંટણી સભામાંય તેઓ હળવાશથી સંબોધન કરતાં હોય છે. તેમના હસતા હોય તેવા ઘણા ફોટોગ્રાફ જોવા મળે છે. રાહુલ ગાંધી ચૂંટણી સભામાં આકરા પાણીએ હોય છે. પ્રિયંકા સંસદની અંદર અને સભામાં ભાજપ પર પ્રહાર બરાબર કરે છે, પરંતુ તેમનામાં સોનિયા-રાહુલ પ્રકારની તીખાશ જોવા નથી મળતી. તેઓ કદાચ સ્વીકારી ચૂક્યા છે કે ગાંધી પરિવાર પણ સત્તાની બહાર હોઈ શકે છે. મોદી ત્રણ અવધિથી વડાપ્રધાન છે તે યથાર્થતા છે. તેને સ્વીકારવું એ જ વર્તમાન ધર્મ છે.
આથી લોકસભા સત્ર પછી અધ્યક્ષ શાસક અને વિપક્ષના નેતાઓ માટે ચા-પાણી (આજકાલ તેને હાઈ ટી કહેવાય છે, જાણે તેમાં શુંય મરી-મસાલા નાખ્યા હશે ! અંગ્રેજી નામ આવે એટલે બધા તેને માનની નજરે જુએ છે) રાખતા હોય છે. આ વખતે પ્રિયંકા ગાંધી વાડ્રા ત્યાં ગયા અને બંને તરફથી કોઈ કડવાશ જોવા નહોતી મળી. પ્રિયંકાની કોઈ વાત પર વડાપ્રધાન અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના શાસક પક્ષના લોકો મોકળા મને હસતા જોવા મળ્યા હતા.
આ જ તો લોકતંત્ર છે. રાજનીતિમાં આજકાલ ટાઇટ કમ્પાર્ટમેન્ટ બની ગયા છે. કોંગ્રેસવાળા ભાજપની અને ભાજપવાળા કોંગ્રેસની પ્રશંસા ન કરી શકે. દિગ્વિજયસિંહે કેશુભાઈ પટેલના શપથવિધિ સમયની તસવીર મૂકી હતી. તેમાં મોદીજી જમીન પર અડવાણીજીના પગ પાસે બેઠા હતા. તેને ટાંકીને તેમણે લખ્યું કે ભાજપમાં એક કાર્યકર્તા પણ વડાપ્રધાન પદે પહોંચી શકે છે. આ શિસ્ત કોંગ્રેસમાં લાવવાની આવશ્યકતા છે.
આમાં શું ખોટું કહ્યું? દિગ્વિજયસિંહની વાતને શશિ થરૂરે પણ ટેકો આપ્યો. પરંતુ કોંગ્રેસના સ્થાપના દિને રાહુલ ગાંધી દિગ્વિજયસિંહને મળ્યા ત્યારે હાથ મિલાવી બધાની વચ્ચે કહ્યું કે “આપને કલ બદ્તમીઝી કી”. આ એ જ દિગ્વિજયસિંહ છે જેમને રાહુલ ગાંધીના ગુરુ માનવામાં આવતા હતા અને ૨૦૦૯માં કોંગ્રેસના વિજય- વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં પ્રદર્શન માટે તેમને કારણભૂત માનવામાં આવતા હતા.
રાહુલ ગાંધીનું વરિષ્ઠ નેતાઓ સાથે આવું વર્તન પહેલી વાર નથી. ૨૦૨૪ની ચૂંટણીમાં કેન્દ્રીય સ્તરના દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં જોડાય તેવી ચર્ચા હતી ત્યારે રાહુલ ગાંધીએ તેમને ફાન કર્યો ત્યારે “કમલનાથજી અથવા કમલજી” કહેવાના બદલે તેમણે “હાય કમલ” કહ્યું હતું !
કોંગ્રેસમાં અત્યારે ‘કમલ’ (ભાજપનું નિશાન) કરતાં વધુ ચર્ચા રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રા, કોણ વધુ સારા નેતાની છે. ગત ૨૩ ડિસેમ્બરે સાંસદ ઈમરાન મસૂદે સાર્વજનિક રીતે પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાનના અભ્યર્થી બનાવવા માગણી કરી. લોકસભા ચૂંટણી તો ૨૦૨૯માં આવશે. તો અત્યારે આ માગણી કેમ? એનું કારણ એ કે પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં સંપૂર્ણ કોંગ્રેસની ધૂરા સોંપાય તો તેઓ પોતાની ઇચ્છાને અનુરૂપ સંગઠન ગોઠવી શકે, ટિકિટ વિતરિત કરી શકે અને તો ૨૦૨૯માં કોંગ્રેસના વિજયની સંભાવના ઊભી થાય.
ઈમરાન મસૂદની આ માગણીને પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રાબર્ટ વાડ્રાએ પણ ટેકો આપ્યો.
આ દરમિયાનમાં બે સમાચાર પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું. અચાનક માધ્યમોમાં સમાચાર આવ્યા (લીક થયા) કે પ્રિયંકાના દીકરા રેહાનની સગાઈ મુસ્લિમ પરિવારની દીકરી અવિવા બૈગ સાથે થવાની છે. આનાથી ભાજપ સમર્થકોને મુદ્દો મળી ગયો કે ગાંધી પરિવારે હિન્દુ યુવક કે યુવતીને જીવનસાથી તરીકે પસંદ નથી કર્યા. ઈન્દિરા ગાંધીએ પારસી ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. રાજીવ ગાંધીએ ખ્રિસ્તી સોનિયા ગાંધી સાથે. અને અર્નબ ગોસ્વામી વિરુદ્ધના કેસમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને સર્વોચ્ચમાં વકીલ કપિલ સિબ્બલે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં સ્વીકાર્યું હતું કે સોનિયા ગાંધી ખ્રિસ્તી પંથને અનુસરે (પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન- અર્થાત્ નામનાં જ ખ્રિસ્તી નથી, મનથી પણ છે) છે.
રાહુલ ગાંધીનાં સ્પેનિશ આર્કિટેકટ સ્ત્રીમિત્ર વેરોનિક સાથે પ્રેમ સંબંધની અવારનવાર ચર્ચા થાય છે. અને ૨૦૦૪ના ઇન્ટરવ્યૂમાં રાહુલે આ વાત સ્વીકારી હતી. (આઉટલૂક, દિ. ૧૭ આૅગસ્ટ ૨૦૧૨). તાજેતરમાં ‘આજતક’ના પત્રકારોની ચર્ચામાં કોંગ્રેસ તરફી મનાતા મૌસમીસિંહે કહ્યું હતું કે ગુજરાતની ૨૦૧૭ની ચૂંટણી સમયે રાહુલ ગાંધી સોમનાથ મંદિર ગયા ત્યારે મુલાકાતી પોથીમાં તેમની નોંધણી ખ્રિસ્તી તરીકે કરાઈ હતી. આ અંગે વિવાદ થયો ત્યારે દોષનો ટોપલો રાહુલ ગાંધીના મીડિયા કાઆૅર્ડિનેટર મનોજ ત્યાગી પર ઢોળી દેવાયો કે તેમણે આવું લખ્યું, પરંતુ શું મનોજ ત્યાગી રાહુલને પૂછ્યા વગર આવું લખી શકે? તે પછી ૨૦૧૮માં પુષ્કરમાં રાહુલે કહ્યું હતું કે “મારું ગોત્ર દત્તાત્રેય છે અને હું કાશ્મીરી બ્રાહ્મણ છું.”
હિન્દુ ધર્મની સીધી-સાદી સમજ ધરાવનાર પણ સમજી શકે કે ગોત્ર સદા પિતાનું ગણાતું હોય છે. રાહુલના પિતા રાજીવ ગાંધી એક પારસી પિતાના પુત્ર હતા. એટલે તેઓ બ્રાહ્મણ તો ન જ હોઈ શકે. પરંતુ મોદી લહેરમાં ૨૦૧૭-૧૮માં રાહુલ ગાંધીએ તત્સમયે સાફ્ટ હિન્દુત્વ અપનાવ્યું હતું. તેથી આમ કહ્યું. જોકે તે પછી તેમનું સતત ને સતત લઘુમતી તરફી કટ્ટર વલણ બહાર આવ્યું છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ખ્રિસ્તી રાબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યાં. અને હવે તેમનો દીકરો રૈહાન મુસ્લિમ યુવતી સાથે પરણવાનો છે. પરંતુ આ વાત સગાઈ પહેલાં જ કેમ જાહેર થઈ ગઈ? તે પણ એવા જ સમયે જ્યારે ઈમરાન મસૂદે પ્રિયંકા ગાંધી વાડ્રા માટે દાવો કર્યો ત્યારે?
કારણ સમજવા જેવું છે. સોનિયા-રાહુલની છાપ તો કટ્ટર લઘુમતી તરફી છે. પરંતુ પ્રિયંકા ગાંધી વાડ્રાની છાપ એવી નથી. તેઓ પૂજા પણ કરે છે. તિલક પણ લગાવે છે. અને ઈમરાન મસૂદે એવું કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતીઓ સામે હિંસાનો મુદ્દો મુખર રીતે ઉઠાવ્યો હતો. તેમને જો વડાપ્રધાન બનાવવામાં આવે તો ઈન્દિરાજીએ જેમ પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા તેમ તેઓ પણ ઉત્તર આપી શકે તેમ છે. એટલે દિલ્લીનાં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે પ્રિયંકાનું પત્તુ કાપવા રાહુલ જૂથના લોકોએ સગાઈના સમાચાર લીક કરી દીધા.
સગાઈના સમાચાર લીક તો થયા પરંતુ સગાઈ ક્યારે છે, થઈ ગઈ કે થવાની છે તે બાબતે મીડિયા પણ અંધારામાં છે. કોંગ્રેસ નજીક મનાતા એનડીટીવી (૩૦ ડિસેમ્બર) મુજબ, રેહાનની સગાઈ થઈ ગઈ. તો તે જ દિવસે, કોંગ્રેસની સાથે હજુય સારો ઘરોબો ધરાવતા ‘ઇન્ડિયા ટૂડે’એ લખ્યું, સગાઈ રાજસ્થાનના રણથંભોરમાં ખાનગી સમારંભમાં થવાની છે. પરંતુ રસપ્રદ સમાચાર તો ‘ન્યૂ ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’એ આપ્યા. તેના મુજબ, ‘આ સમારંભમાં સોનિયા ગાંધી ઉપસ્થિત રહેવાના નથી.’
સોનિયાનું સ્વાસ્થ્ય અત્યારે સારું છે. ગત ૧૬ ડિસેમ્બરે સંસદની અંદર આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ પર તેમણે ગોગલ્સ પહેરીને ભાષણ આપ્યું હતું. સાંસદોની પ્રદૂષણ વિરોધી કૂચમાં પણ તેઓ જોડાયા હતા. તો પછી તેઓ રેહાનની સગાઈમાં કેમ આશીર્વાદ નથી આપવાના? આથી ચર્ચા એ છે કે પ્રિયંકા જૂથના લોકો તેમને વડાપ્રધાન બનાવવાની માગણી કરે છે તેનાથી સોનિયા ક્રોધિત છે. સોનિયાનો પુત્રમોહ જાણીતો છે.
રાજકીય નિષ્ણાતો કહે છે કે ગાંધી પરિવારમાં આ ત્રીજું મહાભારત છે. નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિત વચ્ચે પણ સત્તાની સ્પર્ધા હતી, પરંતુ નહેરુએ વિજયાલક્ષ્મી પંડિતને યુનો અને યુએસએસઆરમાં રાજદૂત બનાવીને બહાર જ રાખ્યા. આ પહેલું મહાભારત હતું. ઈન્દિરાજીએ તો ફઈ વિજયાલક્ષ્મીજીને સ્પષ્ટ કહ્યું હતું, “મને તમારામાં વિશ્વાસ નથી.” વિજયાલક્ષ્મીજીએ પણ ઈન્દિરાજીનો કટોકટી માટે કડક વિરોધ કર્યો હતો. તે પછી સોનિયા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે સ્પર્ધા ચાલી હતી. ઈન્દિરાએ મેનકા ગાંધીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. સંજય ગાંધીના મૃત્યુ પછી મેનકાને ઈન્દિરાજી પોતાના સચિવ બનાવવાના હતા અને રાજકારણમાં લાવવાના હતા, પરંતુ તેના બદલે આ નિર્ણય કર્યો તેમાં સોનિયા ઉત્તરદાયી હતા. (જુઓ પુપુલ જયકરે લખેલું ઈન્દિરા ગાંધીનું જીવનચરિત્ર) પરિણામે, મેનકા ગાંધી આજેય વિપક્ષમાં જ છે. તે બીજું મહાભારત હતું.
અને રાહુલ-પ્રિયંકા વચ્ચે ત્રીજું મહાભારત ચાલી રહ્યું છે. ભાજપે તો તમાશો જ જોવાનો છે. બરાબર નહેરુના જન્મદિને જ બિહારની ચૂંટણીનાં પરિણામોમાં ભવ્ય વિજય પછી વડાપ્રધાન મોદીએ આગાહી કરી હતી કે કોંગ્રેસમાં ટૂંક સમયમાં જ ભાગલા પડશે. શું પ્રિયંકા ગાંધી વાડ્રા આ ભાગલાનું નિમિત્ત બનશે?
ઈમરાન મસૂદે પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન પદના અભ્યર્થી બનાવવા સાર્વજનિક માગણી કરી. તે પછી બનેલા ઘટનાક્રમો બતાવે છે કે ગાંધી પરિવારમાં જોરદાર આંતરિક લડાઈ ચાલી રહી છે.










































