સામાન્ય રીતે કોઈ મહિલા સ્વબળે આગળ આવે તો તેની કથા સમાચાર પત્રના શ્વેત પત્ર પર અશ્વેત અક્ષરે રંગીન ચિત્ર સાથે અંકિત થતી હોય છે અને ઍન્કરો પણ ભાવવાહી સ્વરે તેની કથા બતાવતા હોય છે. ભલું હોય તો કોઈ નિર્દેશક ફિલ્મ બનાવવાની ઘોષણા પણ કરી દે. ભારતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આવું ચાલતું આવ્યું છે. સન્ની લિયોનીને પણ મહિલા સ્વતંત્રતાની પ્રતિમા અહીં બનાવી દેવાઈ છે. એકતા કપૂરને તો ટેલિવૂડની રાણીનો દરજ્જો મળી ચૂક્યો છે.
વિદેશમાં ગ્રેટા થનબર્ગ જેવી કોઈ ફૅક એન્વાયરનમેન્ટલિસ્ટ થોડી ચમકે કે પછી મલાલા યુસૂફઝાઈનો અંગ્રેજીમાં લેખ મળી જાય તો તેના અનુવાદો કરી-કરીને ભારતીય મીડિયામાં પ્રશસ્તિગાન થતાં હોય છે. ડાકુ રાણી ફૂલનદેવી પર પણ શેખર કપૂર જેવા દિગ્ગજ નિર્દેશકે તેના પ્રત્યે સહાનુભૂતિ જાગે તેવી ફિલ્મ બનાવી હતી.
પરંતુ આ વિશાળ સમુદાય ત્રણ નારીઓની ચર્ચા કરતો નથી. તે છે- દેશની સૌથી યુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુર, જાપાનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન સાનાએ તાકાઈચી, જાપાની સંસદની આરોગ્ય, શ્રમ અને કલ્યાણ સમિતિના તેજતર્રાર મહિલા સાંસદ મિઝોહુ ઉમેમુરા. આ ત્રણની ચર્ચા એટલા માટે નથી કારણ કે જે બોલકો સમુદાય ફેમિનિઝમ, નારી સ્વતંત્રતા, મહિલા મુક્તિ, પિતૃસત્તાક જેવા ભારે ભરખમ શબ્દો દ્વારા નારી-નારી, મહિલા-મહિલા જપ્યા રાખે છે તેની મર્યાદિત દૃષ્ટિ છે.
આ લોકો એને જ સફળ સ્ત્રી માને છે જે સ્ત્રી ઉન્મુક્ત જ હોવી જોઈએ. સ્ત્રી પશ્ચિમી પ્રકારનાં કપડાં પહેરતી હોવી જોઈએ. સ્ત્રીને પુરુષો તરફથી સંઘર્ષનો સામનો કરવો પડ્યો હોવો જોઈએ, વિશેષતઃ મુસ્લિમેત્તર સમુદાય. (મુસ્લિમ સમુદાય હોય તો તે સ્ત્રી વિશે ચૂપ રહેવાનું. દા.ત. પોતાના અધિકાર માટે લગભગ પહેલો ન્યાયાલય કેસ લડનાર શાહબાનો.) સ્ત્રીના વિચારો પુરુષવિરોધી, પરિવારવિરોધી હોવા જોઈએ અને તે લગ્નવિરોધી પણ હોવી જોઈએ. તે સેક્સ અંગે મુક્ત વિચારો ધરાવતી હોવી જોઈએ. તે દારૂ-સિગરેટ પીતી હોવી જોઈએ. જો આ મર્યાદાની અંદર કોઈ સફળ સ્ત્રી ન આવતી હોય તો તેનો જયજયકાર નહીં કરવાનો.
એટલે જ મૈથિલી ઠાકુર, સાનાએ તકાઇચી અને મિઝોહુ ઉમેમુરાની કોઈ ચર્ચા નથી. મૈથિલી ઠાકુરની પુરુષવિરોધી કોઈ સંઘર્ષ ગાથા નથી. તેને ક્યાંયથી અસ્વીકાર મળ્યો નથી. વળી તે કથિત નિમ્ન જાતિ કે વર્ગમાંથી પણ આવતી નથી. તે ખૂબ નાની વયથી સફળ થઈ ગઈ છે. પરંતુ તેની સફળતા પશ્ચિમી રાક મ્યૂઝિક, જાઝ કે પછી ગોવા પ્રકારના સંગીતમાં નથી. તેની સફળતા ભજનો થકી છે. ભજનો એટલે હિન્દુ દેવી-દેવતાની ભક્તિમાં ગવાતાં લોકહૃદયમાંથી જન્મેલા ગીતો. મૈથિલી માત્ર મૈથિલી કે હિન્દીમાં જ ભજનો નથી ગાતી, તે મરાઠી, ગુજરાતી ભજનો પણ ગાય છે. સાશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તે બૂમબરાડા પાડીને બોલતી નથી. ગમે-તેમ બોલીને વિવાદો સર્જતી નથી. એટલે કંગના રનૌતની જેમ તેને નેગેટિવ ન્યૂઝમાં પણ રાખી શકાય તેમ નથી.
તેણે આ ભજનોને નવું જીવન આપ્યું છે, નવી લોકપ્રિયતા આપી છે. તેણે મધુબાની કળાને ઉન્નત સ્થાન અપાવ્યું છે. તેણે તેના પરિવારને સફળતા અપાવી છે. તેના ભાઈઓ પણ તબલા અને ઢોલકમાં તેને સાથ આપે છે. મૈથિલી ઠાકુરને ભાજપે અલીનગરમાંથી ટિકિટ આપી, જેનું નામ હવે સીતાનગર છે. મૈથિલીનું નામ તેના પરિવારે સીતાજીના નામ પરથી પાડ્યું છે અને મૈથિલી ભાષા પણ છે. બિહારનો મિથિલાંચલ પ્રદેશ સીતાજીની જન્મભૂમિનો પ્રદેશ છે અને બિહારના ચૂંટણી પ્રચારના તબક્કામાં ગુજરાતના ગાંધીનગરમાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઘોષણા કરી હતી કે મિથિલામાં સીતાજીનું ભવ્ય મંદિર ટૂંક જ સમયમાં બનશે.
અલીનગરમાં બ્રાહ્મણ મતદારોની સંખ્યા ૧૫થી ૨૦ ટકા જેટલી છે પરંતુ મુસ્લિમ મતદારોની સંખ્યા ૨૧.૨ ટકા છે. ૨૦૧૦માં આ બેઠક અસ્તિત્વમાં આવી તે પછી ૨૦૧૦ અને ૨૦૧૫માં રાષ્ટ્રીય જનતા દળ (એટલે કે લાલુ પ્રસાદ યાદવનો પક્ષ)ના મુસ્લિમ અભ્યર્થી અબ્દુલ બારી સિદ્દિકીનો વિજય થયો હતો. સિદ્દિકી અગાઉ પાંચ વાર વિજયી રહી ચૂક્યા હતા. ૨૦૨૦માં વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના મિશ્રી લાલ યાદવનો વિજય થયો હતો. એટલે કે અહીં મુસ્લિમ અથવા યાદવ અભ્યર્થી જ જીતતા હતા, તેમાં મૈથિલી જીતી અને તે પણ નાના તફાવતથી નહીં, અગિયાર હજાર સાતસો મતના તફાવતથી !
મૈથિલી ઠાકુર પાછી જાતિએ બ્રાહ્મણ છે. ફેમિનિસ્ટોની સફળ નારીની વ્યાખ્યાના માપદંડોમાં મૈથિલી કોઈ રીતે ફિટ બેસતી નથી. ન તો મૈથિલી ટૂંકા વસ્ત્રો પહેરે છે, ન તો હિન્દુ ધર્મની વિરુદ્ધ બોલે છે, ન તો તે હિન્દુ તહેવારોની ઉજવણીનો વિરોધ ઉર્દૂવુડિયા કલાકારોની જેમ કરે છે, ન તો તે કાન્વેન્ટિયું ચાંપલું અંગ્રેજી બોલે છે, ન તો તેણે આ ઇકા સિસ્ટમના પ્રભાવમાં આવીને કે ડરીને (જેમ સુશાંતસિહ રાજપૂતે તેની અટકનો ત્યાગ કર્યો હતો, જેમ કનૈયાલાલ, ઓમપ્રકાશ જેવા કલાકારોએ પોતાની અટકનો ત્યાગ કર્યો હતો) પોતાની અટક ત્યજી છે. આ બધા સમીકરણોના લીધે મહિલાવાદીઓ મૈથિલી ઠાકુર બાબતે ચૂપ છે. તેમને થાય છે કે જેન ઝી (એટલે યુવાનો જ, પરંતુ પશ્ચિમી મીડિયા દર વખતે નવા શબ્દો લઈને આવે એટલે પછી એ જ શબ્દપ્રયોગ આપણું મીડિયા કરવા લાગે.) ની લોકપ્રિય પ્રતિનિધિ તરીકે તો મૈથિલીએ પિતૃસત્તાક સમાજ સામે આક્રોશ જગાવવો જોઈએ તેના બદલે તે સંસ્કૃતિ જગાવી રહી છે, તો મૂકો તેને તડકે. એટલે જ આ ઉર્દૂવુડિયાઓએ મૈથિલીની આટલી લોકપ્રિયતા છતાં તેની પાસે ‘ઔરોં મેં કહાં દમ થા’ જેવી એક ફિલ્મના એક ગીતને બાદ કરતાં ગવડાવ્યું નથી.
આ જ રીતે જાપાનના નવા મહિલા વડાપ્રધાન સાનાએ તાકાઈચીની વાહવાહી પણ આ વર્ગ કરતો નથી. બાકી, તાકાઈચી તો તેમના કેટલાંક સમીકરણોમાં ફિટ બેસે તેમ છે. દા.ત. તાકાઈચી તો ટાપ-સ્કર્ટ અને બ્લેઝર પણ પહેરે છે અને યુવાવસ્થામાં તેઓ હૅવી મેટલ ડ્રમર પણ હતા. તેઓ માટરબાઇક પણ ચલાવતા હતા. નારીવાદીઓની વ્યાખ્યામાં બીજી એ રીતે પણ સાનાએ તાકાઈચી ફિટ બેસે છે કે તેઓ ટોક્યોની કેઇઓ અને વાસેદા યુનિ.માં ભણવા માટે પાત્રતા ધરાવતા હોવા છતાં તેમના પિતાએ તેમને ત્યાં ભણવા જવા દીધા નહોતા કારણ કે તે છોકરી હતા અને જો તે ઘર છોડે કે ખાનગી વિશ્વ વિદ્યાલયમાં ભણવા જાય તો પોતે તેની ફી ચૂકવવા ના પાડી હતી. આથી સાનાએ તાકાઈચીએ કોબે યુનિ. પસંદ કરી. તેના માટે તેમને પોતાના ઘરેથી રોજ છ કલાકની મુસાફરી કરવી પડતી હતી. તેઓ પાર્ટટાઇમ કામ પણ કરતા હતા. તેમણે બીબીએ કર્યું. તે પછી તેમણે અમેરિકામાં ડેમોક્રેટિક (જે લેફ્ટ-લિબરલ ગણાય છે)નાં નેત્રી પેટ શ્રોએડર સાથે કામ કર્યું.
ઈ.સ. ૧૯૮૯માં અમેરિકાથી પરત આવ્યા બાદ તેમણે જાપાનમાં અમેરિકી રાજકારણની સમજ સાથે સંસદીય બાબતોના વિશ્લેષક તરીકે કામ કર્યું. પુસ્તકો લખ્યા. બે ટીવી ચેનલ માટે પ્રેઝન્ટરનું કામ કર્યું.
રાજકારણમાં પણ તેમની યાત્રા સરળ નહોતી. જાપાનમાં મહિલા રાજકારણીઓને બહુ પ્રોત્સાહન અપાતું નથી. તે રીતે નારીવાદીઓની વ્યાખ્યામાં જાપાન ફિટ બેસે છે કે જાપાન પિતૃસત્તાક સમાજ છે. આથી તાકાઈચીએ અપક્ષ અભ્યર્થી તરીકે ઈ.સ. ૧૯૯૨માં મહાનગરપાલિકાની ચૂંટણી લડી. હારી ગયા, પણ સાહસવૃત્તિમાં ન હાર્યાં. તે પછીના વર્ષે તેઓ સંસદમાં અપક્ષ સાંસદ તરીકે જીતીને પ્રવેશ્યા. તે પછી તેઓ ‘લિબરલ્સ’ પક્ષમાં જોડાયા જે પછી ન્યૂ ફ્રન્ટિયર પાર્ટીમાં ભળી ગયો. ઈ.સ. ૧૯૯૬માં આ પક્ષમાંથી તેઓ ફરીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. પરંતુ થોડા જ સમયમાં તેઓ વિરોધી એલડીપી પક્ષમાં જોડાઈ ગયા.
એલડીપીમાં તેમણે સડસડાટ પ્રગતિ કરી. તેઓ સંસદીય સમિતિના અધ્યક્ષા બન્યા. શિન્ઝો આબે, ફ્યુમિઓ કિશિદા અને શિગેરુ ઈશીબાની સરકારમાં પ્રધાન પણ બન્યા. ઇનોવેશન, આંતરિક બાબતો, સંચાર, આર્થિક સુરક્ષા જેવા મહત્વના ખાતા સંભાળ્યા.
પ્રશ્ન છે કે તો પછી ભારતના નારીવાદીઓ કેમ સાનાએ તાકાઈચી અંગે ચૂપ છે? સંભવિત કારણો. ભારતનો મોટા ભાગનો બુદ્ધુજીવી વર્ગ પશ્ચિમને જ આદર્શ માને છે. પૂર્વ તરફ જોતો પણ નથી. ત્યાંનું મીડિયા જે કહે, ત્યાંની ફિલ્મો જે કહે તે જ માનવાનું. તેની જ વાહવાહ કરવાની. બીજું કારણ, સાનાએ તાકાઈચીના વિચારો. ભલે સાનાએ તાકાઈચી બળુકાં હોય, ભલે તેમણે ડ્રમ વગાડ્યું હોય ને બાઇક ચલાવી હોય, પરંતુ તેઓ સજાતીય લગ્નોના વિરોધી છે.
તેઓ માને છે કે જાપાનના ઇતિહાસનું પુનર્લેખન થવું જોઈએ. યુદ્ધ અપરાધો માટે જાપાન દ્વારા મગાયેલી ક્ષમા સામે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા છે. જાપાનના યુદ્ધ અપરાધીઓનું સન્માન કરતા યાસુકુની પંથસ્થળની તેઓ નીડર થઈને મુલાકાત લે છે. તેને માટે તેમનો વિરોધ થાય છે તો પણ તેઓ ડગતા નથી. તેઓ રાષ્ટ્રવાદી છે. તેઓ જાપાનના સૈન્યને મજબૂત કરવાનો આશય ધરાવે છે. તેઓ માને છે કે પતિ-પત્નીની અલગ-અલગ અટક ન હોવી જોઈએ. ભારતની જેમ જાપાનમાં પત્ની બે અટક રાખી શકતી નથી. પરંપરા પ્રમાણે પતિની અટક જ અપનાવાય છે. ડાનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, જિયાર્જિયા મેલોની જેમ તેઓ પણ ઘૂસણખોર વિરોધી છે. હવે સમજાયું કે કેમ ભારતના નારીવાદીઓ સાનાએ તાકાઈચીની વાહવાહ નથી કરતા?
અને જાપાનનાં મહિલા સાંસદ મિઝોહુ ઉમેમુરાની તો ન જ કરે તે સમજી શકાય તેમ છે કારણકે તેમણે ગત ૨૭ નવેમ્બરે સંસદની આરોગ્ય, શ્રમ અને કલ્યાણ સમિતિમાં મુસ્લિમોને વધુ એક પણ કબ્રસ્તાન આપવાનો વિરોધ કર્યો. ખૂબ લોકપ્રિય બનેલા આ ભાષણમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે જાપાનમાં શબને અગ્નિદાહ આપવાની પરંપરા છે તે માત્ર પરંપરા કે સંસ્કૃતિ નથી, તેની પાછળ વિજ્ઞાન છે. અને તેને કોઈ વિદેશીઓની માગણીના કારણે બદલી ન શકાય.
તેમણે કહ્યું કે જાપાનમાં અવારનવાર ભૂકંપ આવે છે. તે જ્વાળામુખી પર બેઠેલો દેશ છે. અહીં સુનામી આવે છે. તેની મોટા ભાગની જનસંખ્યા દરિયા કાંઠાનાં નગરોમાં વસેલી છે. આથી અગ્નિદાહ એ માત્ર સંસ્કૃતિ કે પરંપરા નથી, તે વૈજ્ઞાનિક આવશ્યકતા છે. તેમણે કહ્યું કે આંગતુકોને ખુશ કરવા માટે જાપાનની ઓળખને બદલી શકાય નહીં. સુરક્ષા અને ભૂમિના પ્રબંધન માટે પણ અગ્નિદાહ આવશ્યક છે. તેમણે કહ્યું કે સરકાર કે સરકારી અધિકારીઓ વિદેશીઓની મઝહબી માગણીઓ કરતાં જાપાનના સ્થાનિક લોકોની માગણીઓને પ્રાથમિકતા આપે.
શબ્દ ચોર્યા વગર તેમણે કહ્યું કે જાપાનમાં રહેતા મુસ્લિમો કાં તો અગ્નિદાહથી અંતિમ સંસ્કાર કરે અથવા તો તેમના સ્વજનોના મૃતદેહને તેમના દેશમાં પાછો મોકલી ત્યાં દફનાવે. અમેરિકા અને યુરોપના મુસ્લિમો આવું કરે જ છે. જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના ન્યૂ યાર્કમાં (વર્ષ ૨૦૨૨ની સ્થિતિએ) એક પણ ખાસ કબ્રસ્તાન મુસ્લિમો માટે નથી જ્યાં મુસ્લિમોને જ દફનાવાતા હોય. (મુસ્લિમ તરફી વેબસાઇટ અલ જઝીરા આ વાત કહે છે.) વળી, ત્યાં મુસ્લિમને દફનાવવાનો ખર્ચો ૬,૦૦૦ ડાલરથી માંડીને ૫૦,૦૦૦ ડાલર સુધીનો આવે છે. તેથી ત્યાંના ઘણા મુસ્લિમો તેમના સ્વજનોના મૃતદેહ પોતપોતાના દેશ મોકલી આપી ત્યાં દફનવિધિ કરાવે છે. આની સામે માત્ર અમદાવાદમાં મુસ્લિમ તો છોડો, (૨૦૨૧ની સ્થિતિએ) સુન્ની મુસ્લિમોનાં, રિપીટ, ખાલી સુન્ની મુસ્લિમોનાં ૧૮ કબ્રસ્તાન છે ! તેમાંથી ત્રણ તો મોટા છે જેમાં ૧૫,૦૦૦ કબરની ક્ષમતા છે. તોય સેક્યુલર વેબસાઇટ ‘ધ વાયર’એ ૨૦૨૧માં લખ્યું હતું કે મુસ્લિમો માટે કબ્રસ્તાનની સમસ્યા છે.
મિઝોહુ ઉમેમુરાએ આ કહ્યું તેમાં સ્થાનિકોની લાગણીનો પડઘો છે કારણકે સ્થાનિકોએ અગાઉ જડબેસલાક વિરોધ એક સ્વરે કરતા કબ્રસ્તાન બનાવવાનો પ્રસ્તાવ મિયાગીના રાજ્યપાલ યોશીહીરો મુરાઈએ પડતો મૂકવો પડ્યો હતો. મેયરોએ પણ એક થઈને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
સ્વાભાવિક છે કે મૈથિલી ઠાકુર, સાનાએ તાકાઈચીની જેમ મિઝોહુ ઉમેમુરા ભારતના નારીવાદીઓને ન જ પસંદ પડે.
પોતાની આવડત અને પ્રતિભાથી સારા કંઠ સાથે લોકપ્રિય ભજનિક બનેલી મૈથિલી માત્ર ૨૫ વર્ષે દેશની સૌથી યુવાન ધારાસભ્ય બની છે. ગત આૅક્ટોબરમાં જાપાનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનેલા સાનાએ તાકાઈચી ડ્રમર અને બાઇક રાઇડર પણ છે. તો જાપાનનાં મહિલા સાંસદ મિઝોહુ ઉમેમુરા તેજતર્રાર અને તેજાબી બોલનારા સ્પષ્ટ વક્તા છે. પરંતુ આ ત્રણેય ફેમિનિસ્ટોની દષ્ટિમાં સફળ નથી? ફેમિનિસ્ટો કેમ તેમના અંગે મૌન છે?










































