રાજયના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી, કૌશિકભાઈ વેકરીયાની ઉષ્માસભર ઉપસ્થિતિમાં અમરેલી મુકામે પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૫નો ઉત્સાહભેર શુભારંભ થયો હતો. શહેરની કે.કે. પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મીડલ સ્કૂલ) ખાતે સૌરાષ્ટ્રના ૦૮ જિલ્લા અને ૦૪ મહાનગરોના ૪,૦૦૦ જેટલા સ્પર્ધકોના સંગમથી કલા અને સંસ્કૃતિની સરવાણી થશે. આ સ્પર્ધામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, ભાવનગર શહેર અને ગ્રામ્ય, જામનગર શહેર અને ગ્રામ્ય, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો વચ્ચે તા. ૦૬ થી ૦૮ ડિસેમ્બર દરમિયાન અલગ અલગ વયજૂથમાં ૩૦ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પર્ધામાં રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોના કલાત્મક લોકનૃત્યો, સમૂહગીત, અભિનય, લેખન, સંગીતના વિવિધ વાદ્યોના વાદન સાથે વક્તૃત્વ કળાની પ્રસ્તુતિ અને અભિનયના ઓજસ પથરાશે. આ સ્પર્ધામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કલાકારોની કલાત્મક કૃતિઓને રાજ્યમંત્રીએ નિહાળી અને તેમની કળાને બિરદાવી હતી. અમરેલીના યજમાનપદે યોજાઈ રહેલા પ્રદેશ કક્ષાના આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલીને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.










































