જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક ગોવિંદભાઈ ભગવાનભાઈ સોલંકીના ખેતરમાંથી આશરે એક મહિનાના સિંહબાળનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સિંહબાળના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંહબાળ વાડીમાં લગાવવામાં આવેલી જાળીમાં ફસાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જાળીમાં ફસાયા બાદ તેના ગળા પર દબાણ આવતાં શ્વાસ રૂંધાઈ જવાથી તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના એક દિવસ અગાઉ બની હોવાની ચર્ચા વચ્ચે સિંહબાળના મોતની માહિતી છુપાવવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોકે, ઇન્ચાર્જ એસીએફ રાજન જાદવે જણાવ્યું હતું કે સિંહબાળના મોતની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









































