રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર ૧૫ વર્ષની ઉંમરના અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી અકાળે અવસાન થયું છે. આ ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં રહેતો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતો પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયા (ઉંમર વર્ષ ૧૫) રોજિંદા ક્રમ મુજબ પોતાના ટ્યુશન ક્લાસમાં ગયો હતો. ટ્યુશન પૂર્ણ થયા બાદ તે પોતાનું મોપેડ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક તેના મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. પેટ્રોલ પૂરું થઈ જવાના કારણે પૂર્વ રસ્તા પર મોપેડ દોરાવીને (ધક્કો મારીને) જઈ રહ્યો હતો. મોપેડને ધક્કો મારતી વખતે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે હૃદયરોગના હુમલાનો શિકાર બન્યો હતો.હાર્ટ એટેક આવતા જ પૂર્વ રસ્તા પર જ બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પૂર્વને અચાનક રસ્તા પર ઢળી પડતો જાઈને તેના સાથી વિદ્યાર્થીઓ અને આસપાસના લોકો તુરંત જ તેની મદદે દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં સેડવામાં આવ્યો હતો. જાકે, કમનસીબે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પીટલમાં ફરજ પરના તબીબોએ તપાસ્યા બાદ પૂર્વને મૃત જાહેર કર્યો હતો.આ આઘાતજનક ઘટના અંગે પરિવારજનોએ દાવો કર્યો છે કે, પૂર્વને અગાઉથી જ હૃદયની તકલીફ હતી અને તેનું હૃદય માત્ર ૩૦ ટકા જ કામ કરતું હતું. પૂર્વ પરિવારના ત્રણ સંતાનોમાં એકમાત્ર પુત્ર હતો. પોતાના વહાલસોયા અને એકના એક દીકરાના આમ અચાનક વિદાય લેવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પૂર્વના અકાળે મોતથી પરિવારજનોના આક્રંદે હોસ્પીટલના વાતાવરણને પણ ગમગીન બનાવી દીધું હતું.








































