૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી ખાતે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમરેલી નગરપાલિકા દ્વારા ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી શહેરવ્યાપી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બજાર વિસ્તાર, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોની સઘન સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. આજે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વિશેષ સફાઈ કામગીરી કરી સમગ્ર વિસ્તારને કચરામુક્ત બનાવવામાં આવ્યો હતો. માર્ગો અને આસપાસના વિસ્તારોની સ્વચ્છતા સાથે શહેરના સૌંદર્યમાં વધારો થાય તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી.
નગરપાલિકાએ નાગરિકોને ઘર, વેપાર સ્થળો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ કચરો જાહેરમાં ન ફેંકી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવાની અપીલ કરી છે.







































