રાગ – વૈરાગ – ૨૫
રૂપા એ ચોરી છુપીથી પાછું ફરીને જોઈ લીધું.આનંદ ત્યાં જ પગથિયાં ચડીને ઉપરના ઓટલે પીઠ વાળીને બેઠો હતો.એના હૈયામાં ઊર્મિની એક ભરતી ચડી. શરીરમાં પ્રેમનું એક તાણ આવ્યું.જેવું તાણ ગંગાના પ્રવાહમાં હતું.
રૂપા નહાતા નહાતા અત્યારે પોતેજ પોતાના મનને પૂછી બેઠીઃ આનંદ ક્યાં ભૂલાયો હતો? ક્યારે ભૂલાયો જ હતો ?! !હરઘડી, હરપલ યાદ આવતો હતો. એકેય દિવસ એવો ઊગ્યો નહોતો કે એ દિવસમાં એકેય વાર એ યાદ ન આવ્યો હોય! એમાંય જયારે માથે દુઃખ પડ્યા, વેળા વેળાની તડકી પડતી હતી ત્યારે તો એ બહુ યાદ આવતો હતો કારણ કે એણે એની હથેળિયુંના છાંયો કરીને પોતાને સાચવી જાણી હતી. એ જણને કેમ ભૂલાય?
– ભૂલાય? તેણે પોતાની જાતને જ પૂછ્યું અને પેલી બંનેની નજર ચૂકવીને પાછળ જોઈ લીધું. એ આ તરફ જ જોતો હતો.એ નજરોને મન:ચક્ષુ એ જોઈ લીધી અને એક મીઠો ખળભળાટ તેના તનમન માં ફરી વળ્યો..
……… સામે ગંગાનદીનો પટ હતો. હરકી પૌડી ઘાટ ઉપર બંધાયેલાં ગંગા માતાના મંદિરના પગથાર ઉપર એક ખાલી જગ્યામાં આછા ભીના અને આછાં કોરાં થઈ રહેલા કપડાં ખોસતો આનંદ એક ખાલી જગ્યા ઉપર બેઠો બેઠો ગંગાનદીના પ્રવાહને અનિમેષ નજરે તાકી રહ્યો હતો! ગંગા નદીનો ખળખળ પ્રવાહ માતાની મમતા જેમ વહી રહ્યો હતો. તેણે હવે આગળ પાછળ ,આજુબાજુ જોયું.પણ રૂપા ક્યાંક ઓઝલ થઈ ગઈ.ક્યાંક અલોપ થઈ ગઈ જાણે! એ નજર આગળથી જ આંખના બે પલકારા વચ્ચે સ્ત્રી પુરુષોની ભીડમાં ક્યાં ઓગળી ગઈ એજ ખ્યાલ સુધ્ધાં ના રહ્યો. તેને થયું કે ક્યારેક તો નહાઈને બહાર નીકળશે ને? ત્યારે તેને ઝડપી લઈશ..પણ એ ગઈ ક્યાં??
કંઈ કેટલાયે દર્શનાર્થીઓ ગંગામૈયામાં ડૂબકી દઈને સંતૃપ્ત થઈ રહ્યા હતા. પોતે પણ છેલ્લા અઠવાડિયાથી અહીં છે પણ વિક્ષુબ્ધ મન ધીરેધીરે શાંત થતું જાય છે. આનંદની ભરતી આપમેળે જ ઉઠે છે. અને સૂના હૈયાને ભાવને ભીંજવતી રહે છે.!
**
આનંદ કોઈ વિચારામાં ગરકાવ થઈ ગયો હતો અને અચાનક જ પીઠ પાછળ કોઈ આવીને ઊભું રહી ગયુ છે એનો ભાસ થતાં જ તે ચમક્યો.
પીઠ ફરીને જોયું તો રૂપા! ફરી એકવાર ચાર આંખોમાં અષાઢી ચોમાસાનાં એકસામટા ચારચાર મેઘધનુષ્ય તણાયા. પળ બે પળ…ત્રણ પળ…!!
એ ઊભી જ હતી. કે, આનંદ દૂર હટયો. બેસવા માટે જગ્યા આપી.પણ રૂપા ડર અને આશંકાથી ચારે બાજુ જોતી હતી. રખે ને ક્યાંક થી પેલી બંને…
‘રૂપા..’એક ઊંડેથી સાદ આવ્યો અને પોતે ખળભળી ઊઠી.કેટલા વરસો પછી આ અવાજ સાંભળી રહી છું?! તેની આંખો બંધ થઈ ગઈ અને મનપંખી તો ક્યાંનું ક્યાંય પહોંચી ગયું.
‘રૂપા.. રૂપા..રૂપા..ક્યાં ખોવાઈ ગઈ?’આનંદે હાથ લંબાવીને તેનો હાથ પકડ્યો અને એક વીજળી જાણે આખા શરીરમાં દોડી ગઈ. તેણે ઝાટકો મારીને હાથ છોડાવી લીધો.
‘રૂપા…કેમ? શું થયું?’ આનંદની તરસી આંખો તેની સામે મંડાઈ.
‘માંડ માંડ..અવાયું છે, કેમ અવાયું છે? એ મારૂ મન જાણે છે. માંડ માંડ આવી છું.” એણે મંદ સ્વરે કહ્યુંઃ “જ્યાં જઈએ ત્યાં સાંકળો સાથે જ રહી…’
આનંદ તેની સામે તાકી રહ્યો પછી બોલ્યોઃ આમ ઘણું સમજયો, આમ કશું જ નહીં..!
‘નહીં સમજાય તમને..ક્યારેય નહીં સમજાય.કારણ કે તમે સ્ત્રી નથી ને? એટલે નહીં સમજાય.બાકી તો માનવીના મન, અષાઢનાં મેધરવા અને પેટના ગાભ. સમજવા બહુ અઘરા.છે!!’
‘કોણ હતી એ બન્ને સ્ત્રી?’
‘અમારા આશ્રમની બહેનો….અને.’ રૂપાની ભયાક્રાંત આંખો આમતેમ ચકળવકળ ફરી રહી,‘…અને..અને ..મને તેમની જ બીક છે.નહી ને ક્યાંક ..આ આશ્રમવાળીઓનો કોઈ ભરોસો નહીં..’
‘આશ્રમ???? તું શું કહે છે? હું કાંઈ સમજી શકતો નથી.કયો આશ્રમ? ક્યાં આવ્યો આશ્રમ?? ’આનંદના કપાળ ઉપર એકસામટી કેટલીયે કરચલી પડી ગઈ.
‘હા, આશ્રમ…” ઊંડો શ્વાસ લઈ પછી ફળફળતો નિઃશ્વાસ નાખી ને નીચી નજરે કહ્યું: “આઠ વરસ થઈ ગયા હવે તો! હવે તો એજ અમારૂ ઘર અને એજ અમારૂ પિયર…’ એ આટલું તો માંડ બોલી શકી: “વખત વિપદા પાડે ત્યારે બધા જ છાંયા ઉઝડી જાય છે! અને માળા બાંધ્યા’તા, એ માળા તો પાપીયા કાગડાઓએ સંપીને વીંખી નાખ્યા. આશરો શોધવા ગયા ત્યાં ભીંત ‘ ને કરા પડ્યા. અને પછી જેમની આંખોમાં વિશ્વાસ ના ઘર જોયા ને એની ઓથે ઊભા રહ્યા એ તો સાપોલીયાના રાફડા હતા..! એ ક્યાં ખબર હતી? ભોળા હતા તો ભોળિયાનાથે સાચવીને અખંડ રાખ્યા. નહીંતર તો પીંખાઈ ગયા હોત..આનંદ!!’
આજે વરસો પછી પોતાના પ્રિયજનના હોઠમાંથી એક સરી પડેલું વહાલું નામ!! આનંદને કાળજે ટાઢોબોળ શેરડો પડ્યો.
‘રૂપા…’ આનંદ નું મોઢું એટલું બોલતા માં તો જાણે ભરાઈ ગયું.વાણી હવે એટલું જ બોલી શકતી હતી! તેને મન તો ‘રૂપા’નામમાં પોતાનું આખું વિશ્વ,પોતાની દુનિયા,પોતાની ખુશી અને પોતાનું સુખ સમાઈને છલકાઈ જતું હતું!
રૂપાએ
આભાર – નિહારીકા રવિયા ઉતાવળા જીવે,બહાવરી આંખોએ અને ઊભડક હૈયે કહેવા માંડ્યુંઃ”. આનંદ, તમને તો બીજી ખબરેય કોણ આપે? પણ મારું જીવતર તો કહાણી જેવું થઈને રહી ગયું. બસ, જેમની હારોહાર બેઘડી હાલ્યા’તા,. ઈ પગલાંની છાપું છાતીની અંદર ચોડીને આયખું કાપી રહી છું.”
‘આ તું શું બોલે છે રૂપા..??’ આનંદ અકળાઈ જતા બોલ્યો ઃ “ખૂબ પીડા અનુભવુ છું તારા શબ્દોમાં. કંઈક સમજાય એવું બોલ.’’
“વેળા નથી. હમણાં જ… એ આસપાસ જોતા બોલી ઉઠીઃ હમણાં જ…પગેરું સૂંઘતી સૂંઘતી પેલી બન્ને આવે તો પછી-’’ એ ગભરાઈ રહી હતી.
-‘‘રૂપા….” આનંદે અચાનક તેનો હાથ હાથમાં લીધો. એની ઉપર બીજા હાથની હથેળી ઢાંકી. અને રૂપાની આંખોમાં તાકીને બોલ્યો: ‘રૂપા, શું સમજવું અને શું બોલવું? કશું જ સમજાતું નથી. આપણે આટલા વરસે મળ્યાં તો આ રીતે મળ્યા!! તું કોઈ એવી મુંઝવણ કે બંધનમાં ફસાઈ- બંધાઈને જીવી રહી છો..? શું છે આ બધું ? પામી શકતો નથી. અઠવાડિયાથી અહીં આવ્યો છું. દીકરી મસૂરી બાજુ ગઈ છે ફરવા સવારની.! હું એકલો છું આજે. સામેની ગલીમાં ગુજરાતી સમાજની ધર્મશાળામાં ઉતર્યો છું. એક ચોઘડિયું મળવા માટેનું ગમે એમ કરીને ચોરી લે. પછી કદાચ મળીએ… ન મળીએ… હું રાહ જોઈશ. યાદ રહેશેને રૂપી? ઃ કચ્છી સમાજ ધર્મશાળા, ત્રીજે માળે રૂમ નંબર બસ્સો ત્રીસ.’
‘હું…હું…’.. હકારમાં માથું ધૂણાવતી. એ એટલું જ બોલી શકી, એ પહેલા પેલી બન્ને સ્ત્રી આવી જ ગઈ. પણ એ પહેલા રૂપી, આનંદને છોડીને ભાગી છૂટી.
પેલી બન્ને સ્ત્રી આનંદની સામે આવીને ઊભી રહી ગઈ. અને પછી ધારદાર નજરે આનંદ પ્રતિ તાકી રહી. પછી કહે ઃ ‘તમે હજી અહીંયાં જ બેઠા છો?’
‘તો?’ આનંદે ગુસ્સે થઈને પ્રતિ સવાલ કર્યો: ‘તો ક્યાં બેસુ? અહીં ન બેસાય વળી?’
‘ના..ના…અમને એમકે તમે અમારી ગોઠણ(બહેનપણી)ની રાહ જોતા હશો..’
‘તમારી બહેનપણી’ ને ગોઠણની તમને ખબર! હું તો અહીં દર્શન કરવા આવ્યો હતો અને બેઠો છું.’
“માફ કરજો, અમને એમ હતું કે એણે તમને અહીંયા બેઠા હો અને જોઈ લીધા હોય..”
‘‘નારે ના… મને તો ખબરેય નથી તમારી ગોઠણની તમને ખબર..’’
– રૂમે પાછો ફર્યો ત્યાં લગી મન ઉપર સતત રૂપા જ હમચી ખૂંદતી હતી.
– કેવા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં?
આટલા વર્ષે?
અને એ પણ આવા સ્વરૂપે?
સાવ સફેદ સાડલામાં તેની ચૂંક – ચાંદલા વગરનો ચહેરો સાવ નિમાણો અને નિષ્પ્રાણ લાગતો હતો. સાથે રહેલી પેલી બન્ને સ્ત્રીઓએ પણ સફેદ સાડલો જ ઓઢ્યો હતો. જાણે દુઃખ-દર્દના અમર પિયાલા પી રહી હોય એવા કારમા દુઃખની કાલિમા તેના ચહેરા ઉપર પથરાયેલી હતી. !!
એકવખત એની એ જ ત્વચા હતી કે જયાં ખાલી આંગળી મૂકી ને સ્હેજ દબાવી હોય તો આખો દિવસ એટલા ભાગમાં પડી ગયેલી લાલાશ કે ધબ્બો કલાકો સુધી વીંખાતો નહીં અને એને
બદલે એજ ચામડી લુખ્ખી સૂક્કી, નિર્જીવ અને જાણે ચેતન વગરની થઈ ગઈ હતી?
આનંદ વિચારમાં પડી ગયો. એ ઊભો થયો. આસપાસ જોયું. કદાચ રૂપી સંતાઈ રહી હોય. કદાચ તેને મને મળવું હોય અને અહીં આવવા ઈચ્છતી હોય પણ પેલી બન્ને સ્ત્રીઓની બીકને લીધે આવી ન શકી હોય, પણ હોય આટલામાં જ ક્યાંક વળી?? એ ફરી પાછો બેઠો પણ અડધી કલાક જેટલો સમય પસાર થઈ ગયો. પછી એને નક્કી થઈ ગયું કે હવે નહીં આવે! આવવાની હોય તો એ પેલી સ્ત્રીઓ ગઈ કે તરત જ મને મળવા દોડી આવી હોય… પણ એ ગઈ ક્યાં એટલી જ પળોમાં? વીજળીંક ગતિએ દોડી ગઈ કે પેલી સ્ત્રીઓનેય હાથ ન આવી. બહુ અજાયબ લાગી રહ્યું હતું બધું!! (ક્રમશઃ)













































