રાજસ્થળી ગામની દીકરીઓ દ્વારા તાજેતરમાં સુરત ખાતે પ્રથમ ‘સખી સ્નેહ મિલન સમારોહ’નું ભવ્ય અને ભાવાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો પછી બાળપણની સહેલીઓ એકસાથે એકત્ર થતાં સૌએ પોતાના બાળપણની અવિસ્મરણીય યાદો તાજી કરી આનંદની અનુભૂતિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘કેશુદાદાની દુકાન’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.ગામની તમામ દીકરીઓ દ્વારા સ્વયં આયોજિત આ કાર્યક્રમમાં રાજસ્થળીના સરપંચ ગણપતભાઈ સેંજલિયા તેમજ પ્રવિણભાઇ સેંજલિયા, રમેશભાઈ નાકરાણી, ભરતભાઈ સેંજલિયા, સુરેશભાઈ સાવલીયા, રાજેશભાઈ સાંગાણી, સંજયભાઈ સાંગાણી, કલ્પેશભાઈ સેંજલીયા, અતુલભાઈ સાંગાણી અને મુકેશભાઈ વાઘાણી સહિતના ગ્રામજનોએ દાતાઓ તરીકે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ નિમિત્તે ઉપસ્થિત અતિથિ વિશેષનું આયોજક બહેનો અને ગામની દીકરીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. અતિથિઓએ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ દીકરીઓ અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









































