વેરાવળ શહેરમાં PGVCL કચેરીના બિલ કલેક્શન સેન્ટર પર વીજ બિલ ભરવા આવતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલેક્શન સેન્ટર પર બિલ સ્વીકારવા માટે ત્રણ વિન્ડો ઉપલબ્ધ હોવા છતાં હાલમાં માત્ર એક જ વિન્ડો કાર્યરત રહેતી હોવાની ફરિયાદો ઉઠી છે. રોજ અંદાજે ૩૫૦થી ૪૦૦ ગ્રાહકો બિલ ભરવા આવતા હોવાથી એક જ વિન્ડો પર ભારે ભીડ જોવા મળે છે. પરિણામે ગ્રાહકોને લાંબા સમય સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડે છે. ગરમીમાં રાહ જોવી પડતી હોવાથી મહિલાઓ અને સિનિયર સિટીઝનોને ખાસ મુશ્કેલી પડે છે. લાંબી કતાર અને ગરમીના કારણે ગ્રાહકોમાં અકળામણ વધતી હોવાનું તેમજ ક્યારેક બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ સર્જાતી હોવાની પણ ફરિયાદો મળી છે. ગ્રાહકોમાં PGVCL ની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. ત્રણેય વિન્ડો નિયમિત શરૂ કરી વ્યવસ્થા સુધારવાની માંગ ઉઠી છે.